મોરબીમાં હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે : મોરબી જિલ્લામાં રોજના એક હજારથી વધુ કેસ છતાં નેતાઓ અને અધિકારીઓ હજુ કુંભકરણની અવસ્થામાં છેલ્લા પાંચ દિવસમાં પેરાસીટામોલ, એજીથ્રો માઈસીન, ફેબી ફ્લૂની માંગમાં ઉછાળો : રેમડીસીવરના કાળાબજાર જેવા ભાવ મોરબી : છેલ્લા દસ દિવસમાં મોરબીમાં કોરોના વાયરસે ફરી માથું ઉંચકી નગ્ન નાચ શરૂ કર્યો હોવા છતાં જિલ્લા આરોગ્ય વિભાગ જાણે કઈ જ બન્યું ન હોય તેમ સતત આંકડા છુપાવવાના ખેલ ચાલુ રાખ્યા છે તો બીજી તરફ જાડી ચામડીના નેતાઓ મોરબીની જનતાના આરોગ્યની ચિંતા કરવાને બદલે ભીડ ભેગી કરી ચૂંટણીના તાયફા કરી રહ્યા છે. આ બધા વચ્ચે મોરબીની દવા બજારમાં છેલ્લા પાંચ દિવસમાં પેરાસીટામોલ,એજીથ્રો માઈસીન, ફેબી ફ્લૂની માંગમાં ઉછાળો આવતા સ્ટોક પણ ખૂટી પડ્યો છે તો રેમડીસીવર જેવા આવશ્યક ઈન્જેક્શનના મોરબીમાં કાળાબજાર જેવા ભાવ ચૂકવવા છતાં ઇન્જેક્શન ઉપલબ્ધ ન હોવાથી કોરોનાના દર્દીઓની હાલત કફોડી બની છે. ત્યારે મોરબીના લોકો જવાબદાર સાંસદ, ધારાસભ્ય અને કલેકટરને પૂછી રહ્યા છે હવે ક્યારે જાગશો ? મોરબી શહેર જિલ્લામાં કોરોના વાયરસ ફરી બેકાબુ બન્યો છે ત્યારે કઠપૂતળીની જેમ નાચતા આરોગ્ય વિભાગ દ્વારા કે જવાબદાર તંત્ર માત્ર તમશાબિન બેઠું હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ સબ સલામતના દાવા કરનાર આરોગ્ય તંત્રના દાવાની પોલ ગઈકાલે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરાએ ખોલી નાખી છે અને રેપિડ ટેસ્ટ કીટ ન હોય દૈનિક 2000 કિટની ફાળવણી કરવા ગાંધીનગર આરોગ્ય મંત્રીને રજુઆત કરી છે તેના ઉપરથી જ સ્પષ્ટ બને છે કે મોરબીમાં દરરોજ કેટલા નવા કોરોના દર્દીઓ આવી રહ્યા હશે. દરમિયાન મોરબી જિલ્લામાં કોરોનાની સ્થિતિ ખરેખર ભયાનક હોવાનું હોલસેલ દવા બજારમાંથી બહાર આવી રહ્યું છે, મોરબીની હોલસેલ દવા બજારમાં છેલ્લા પાંચ દિવસથી કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતી પેરાસીટામોલ, એજીથ્રો માઈસીન, ફેબી ફ્લૂ અને કફ સીરપ સહિતની દવાઓની માંગમાં પ્રચંડ ઉછાળો આવતા હાલ ઉપરોક્ત દવાઓનો સ્ટોક ખાલી થઇ ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ગંભીર બાબત તો એ છે કે, હાલમાં માર્ચ એન્ડિંગને કારણે અમદાવાદના દવા ડેપો બંધ હોય આ જીવન જરૂરી દવાઓ આવતા પણ એકાદ બે દિવસ નીકળી જાય તેમ છે. સૌથી ચોંકાવનારી અને ગંભીર બાબત એ છે કે કોરોનાની સારવારમાં અગત્યના ગણાતા રેમડીસીવર ઈન્જેક્શનની મોરબીમાં કારમી અછત સર્જાઈ છે આજની તારીખમાં મોરબીમાં ત્રણથી ચાર જગ્યાએ જ મળતા રેમડીસીવર ઇન્જેક્શન ક્યાંય પણ ઉપલબ્ધ નથી એથી પણ આગળ રાજકોટમાં 2500થી 3000 રૂપિયામાં મળતા રેમડીસીવર ઇન્જેક્શન મોરબીમાં 5000થી 5400 સુધીના ભાવે વેચાઈ રહ્યા છે છતાં પણ સ્ટોક ઉપલબ્ધ નથી અને આ ઇન્જેક્શન પણ આવતીકાલે મળે તેમ હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે. મોરબી શહેર અને જિલ્લામાં કોરોનાની આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં પણ કહેવાતા નેતાઓ જનતાના આરોગ્યની ચિંતા કરવાને બદલે ભીડ એકત્રિત કરી મોરબી માટે જોખમ ઉભું કરી રહ્યા છે અને સરકારી બાબુઓ મૂંગા મોઢે આ બધો તમાસો નિહાળી રહ્યા છે આજે મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં પણ યાર્ડ સત્તાવાળાઓ, અધિકારીઓ અને ભાજપ-કોંગ્રેસના નેતાઓ જાણે કોરોનાને દેશવટો દેવાઈ ગયો હોય તેમ સોશિયલ ડીસ્ટન્સના નિયમન ધજાગરા કરી બેકાબુ ટોળાઓને એકત્રિત કર્યા હતા. આ સંજોગોમાં હાલ મોરબી શહેર અને જિલ્લાની પ્રજા રામભરોસે જીવી રહી છે અને આરોગ્ય વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ સહિતના વિભાગો કોરોના જેવું કઈ જ ન હોવાનું માની સૌ સૌની કામગીરીમાં રત બન્યા હોવાની અનુભૂતિ આમ જનતાને થઇ રહી છે અને જો આમ જ ચાલ્યું તો આવનાર દિવસોમાં કોરોના તાંડવ નહીં પણ નગ્ન નાચ નાચવાનું શરૂ કરશે જેમાં બે મત નથી. ત્યારે રામભરોસે હોય તેવી લાગણી અનુભવતા મોરબીવાસીઓ સાંસદ, ધારાસભ્ય અને કલેકટર જેવા જવાબદાર પદાધિકારી અને અધિકારીને પૂછી રહ્યા છે કે સાહેબો હવે કયારે જાગશો ? લોકો મરવા લાગે ત્યારે જાગશો ? આ સમયે જવાબદાર તંત્ર અને નેતાઓએ સાથે મળીને મોરબીની ગ્રાઉન્ડ ઉપરની કોરોનાની સાચી વાસ્તવિકતાનો તાત્કાલિક ચિતાર મેળવી સ્કૂલ, કોલેજ, રેસ્ટોરન્ટ, જાહેર સ્થળો બંધ કરવા સહિત રાત્રી કરફ્યુ સહિતના અનેક જરૂરી પગલાં લેવા તેમજ કોરોના દર્દીઓની સારવાર માટે અને ખૂટતી દવાની તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ.