આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમમાં ફફડાટ : આરોપીને સિવિલ સ્ટાફ ક્વાર્ટરમાં કોરેન્ટાઇન કરાયો મોરબી : મોરબી જિલ્લો કોરોના મુક્ત થયાના બીજા દિવસે આજે ફરી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવતા મોરબીમાં કોરોનાની રી - એન્ટ્રી થઈ છે. પ્રેમજીનગરમાં થયેલ હત્યા પ્રકરણમાં પોલીસે ઝડપી લીધેલ આરોપીનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા કોરોના પોઝિટિવ આવ્યો છે અને હાલ પોલીસ ટીમમાં પણ ફફડાટ વચ્ચે આરોપીને સિવિલ કેમ્પસમાં સ્ટાફ કવાટર્સમાં કોરેન્ટાઇન કરાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મકનસર ગામે પ્રેમજીનગરમાં ગુલાબભાઈ વેલજીભાઈ શેખવા નામના યુવાનની હત્યાના બનાવમાં આરોપી ચુનીલાલ વધોરા, કાંતાબેન ચુનીલાલ વધોરા, સુરેશ ચુનીલાલ વધોરા, રાકેશ ચુનીલાલ વધોરા, મોહન રવજી વધોરા, હસુ મોહન વધોરા સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી સુરેશ ચુનીલાલ વધોરાને ઝડપી લઈ આજે કોરોના રિપોર્ટ કરાવતા સુરેશ કોરોના પોઝિટિવ આવતા સુરેશને પકડવા ગયેલી પોલીસ ટીમમાં પણ ફફડાટ મચી ગયો છે. દરમિયાન આરોપી સુરેશ ચુનીલાલ વધોરા કોરોના પોઝિટિવ આવતા હાલમાં મોરબી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા ખાલી પડેલા સ્ટાફ ક્વાર્ટસમાં કોરોન્ટાઇન કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જિલ્લામાં ફરી એક કોરોના પોઝિટિવ દર્દી નોંધાતા મોરબી જિલ્લો કોરોના મુક્તિ આડે વિઘ્ન આવ્યું છે.