મકાન સીલ કરવા કે વાહન જપ્ત કરવાના અધિકારો અંગે સ્પષ્ટતા કરવા અને કલેક્ટરના આદેશ બાદ જ કાર્યવાહી થાય તેવો નિયમ ફરી લાગુ કરવા માંગમોરબી અપડેટ : મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં બેંક અને ફાઇનાન્સ કંપનીઓના રિકવરી એજન્ટો દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે ગ્રાહકોને આપવામાં આવતા શારીરિક અને માનસિક ત્રાસ અંગે જણાવાયું છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર, મોંઘવારી અને મંદીના વર્તમાન સમયમાં લોનના ત્રણ હપ્તા ચડી જાય તો રિકવરી કરનાર વ્યક્તિઓ ગ્રાહકોને ધમકાવી માનસિક અને શારીરિક ત્રાસ આપે છે. ઘરમાં બાળકો કે મહિલાઓની હાજરીમાં તેઓ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે. ફાઇનાન્સ કંપનીઓ વાહન ઊઠાવી જાય છે અને તેને છોડાવવા માટે 10 થી 20 હજાર રૂપિયાની મનસ્વી પેનલ્ટી વસૂલે છે, જેની કોઈ પહોંચ પણ અપાતી નથી. ગ્રાહક સુરક્ષા મંડળે સવાલ ઉઠાવ્યો છે કે શું બેંકો કે ફાઇનાન્સ કંપનીઓને સીધી જ મકાન સીલ કરવાની કે વાહન જપ્ત કરવાની સત્તા સરકાર કે રિઝર્વ બેંક (RBI) દ્વારા અપાઈ છે? આવા કિસ્સામાં પોલીસ FIR નોંધી મદદ કરી શકે કે કેમ તે અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી છે.ગ્રાહક સુરક્ષા મંડળે માંગ કરી છે કે, અગાઉની જેમ કલેક્ટર દ્વારા ગ્રાહક અને બેંક બંને પક્ષોને સાંભળ્યા બાદ જ જો યોગ્ય લાગે તો મકાન સીલ કે વાહન જપ્ત કરવાનો આદેશ કરવાની પ્રણાલી ફરીથી દાખલ થવી જોઈએ. આ અંગે ગ્રાહકોની જાગૃતિ માટે સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવા પણ જણાવાયું છે. આ રજૂઆતની નકલ અમદાવાદ RBI ગવર્નર, મોરબી એસ.પી. અને મોરબી કલેક્ટરને પણ મોકલાવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #ConsumerProtection #LoanRecovery #FinanceCompany #HarshSanghavi #GujaratPolice