મોરબી: મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની મદદથી વીમા કેસમાં ગ્રાહકને મોટી રાહત મળી છે. મોરબી, ત્રાજપરના રહેવાસી પરેશભાઈ મનુભાઈ ગોલતરની તરફેણમાં ગ્રાહક અદાલતે ચુકાદો આપ્યો છે અને રોયલ સુંદરમ ઇન્સ્યોરન્સ કંપનીને તેમને વળતર ચૂકવવા આદેશ કર્યો છે.આ કેસની વિગતો મુજબ, પરેશભાઈ જ્યારે માળીયાથી મોરબી આવી રહ્યા હતા, ત્યારે આગળના ટ્રક ડ્રાઇવરે અચાનક બ્રેક મારતાં તેમની ગાડી પાછળના ભાગે અથડાઈ હતી, જેના કારણે ગાડીને કુલ રૂ. 1,22,750/- નું નુકસાન થયું હતું. જોકે, વીમા કંપનીએ તેમનો વીમો નામંજૂર કરતાં જણાવ્યું હતું કે, 'ગુગલ ટાઇમ લાઇન' મુજબ અકસ્માત સમયે ફરિયાદકર્તા ઘટનાસ્થળે હાજર નહોતા.વીમા કંપનીના આ નિર્ણય સામે પરેશભાઈએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. કેસની સુનાવણી બાદ નામદાર કોર્ટે નોંધ્યું હતું કે વીમા કંપની 'રેપ્યુડ લેટર'માં જણાવેલ કારણ સિવાયનો અન્ય કોઈ બચાવ કરી શકે નહીં. વળી, ફરિયાદકર્તા હાજર હોય કે ન હોય, ગાડીનો વીમો પ્રીમિયમ ભરીને લેવામાં આવ્યો હોવાથી કંપનીની સેવામાં ખામી સ્પષ્ટ છે.કોર્ટે રોયલ સુંદરમ ઇન્સ્યોરન્સ કંપનીને રૂ. 1,03,728/- (સર્વેયર દ્વારા નક્કી કરાયેલી નુકસાનીની રકમ) તથા કેસ ખર્ચ પેટે રૂ. 5,000/- ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ રકમ તારીખ 15/03/2025 થી 6% વ્યાજ સાથે ચૂકવવાની રહેશે. જો વીમા કંપની સમય મર્યાદામાં ચુકવણી નહીં કરે, તો 9% લેખે વ્યાજ ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.