મોરબી : મોરબી શહેરમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના કામની મુદ્દતમાં વારંવાર વધારો આપીને 11 વર્ષ સુધી કામ પૂર્ણ ન કરવા દેનારા મોરબી નગરપાલિકાના અધિકારી અને જે તે સમયના પદાધિકારીઓ સામે ફરજમાં બેદરકારીનો ગુનો દાખલ કરવા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મુખ્યમંત્રી સમક્ષ માગ કરી છે.મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મુખ્યમંત્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી નગરપાલિકા વિસ્તારમાં વર્ષ 2013માં કૂલ 1008 મકાનો બનાવવા માટે અમદાવાદની ક્રિષ્ના કન્સ્ટ્રક્શન કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો અને મોરબીના લીલાપર રોડ પર જે-તે સમયે 400 મકાનો બનાવવામાં આવ્યા છે. જેમાં આજની તારીખે પણ મોટાભાગના મકાનો ખાલી પડ્યા છે અને બાકીના 608 મકાન મોરબીના બાયપાસ રોડ પર બનાવવા માટેનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જો કે વર્ષ 2013માં 11 મહિનાની મુદ્દત સાથે આ મકાન બનાવવા માટેનો વર્કઓર્ડર કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો હતો. પરંતુ આજે 2024માં પણ કામ પૂર્ણ થયું નથી. ત્યારે આ બેદરકાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લઈને તેને બ્લેકલિસ્ટ કરવાના બદલે મોરબી નગરપાલિકાના અધિકારી અને જે તે સમયના પદાધિકારીઓ દ્વારા વારંવાર કોન્ટ્રેક્ટરને મુદ્દત વધારી આપવામાં આવી છે. જેથી મકાનનું કામ પૂર્ણ થયું નથી અને લોકોને ઘર મળ્યા નથી. તેથી 11 વર્ષથી પોતાની ફરજમાં બેદરકારી દાખવનારા મોરબી નગરપાલિકાના અધિકારી અને જે-તે સમયના પદાધિકારીઓ સામે ફરજમાં બેદરકારીનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવે.