દુકાન આસપાસ કચરો જોવા મળતા દુકાનદારોને દંડ ફટકાર્યો , મોરબીને સ્વચ્છ રાખવા જનતાને સાથ સહકાર આપવા અપીલ https://youtu.be/rx0nrXFOlFoમોરબી : મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ આજરોજ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર એવા સ્વપ્નિલ ખરેએ સવારે ચાર્જ સંભાળ્યો હતો. બપોર સુધી કમિશનરે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ બપોર પછી કમિશનર મોરબી શહેરના મુલાકાતે નીકળ્યા હતા. કમિશનરે મોરબી શહેરના સુરજબાગ, મહેન્દ્રપરા મેઈન રોડ, રેલવે સ્ટેશન રોડ, સરદાર બાગ, વાવડી રોડ સહિતનાં વિસ્તારની મુલાકાત લીધી હતી. વાવડી રોડ પર દુકાન બહાર કચરો પડ્યો હોય તેવા 10 જેટલા દુકાનદારોને દંડ પણ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં સફાઈ કર્મીઓ સાથે પણ વાતચીત કરી હતી. આમ ચાર્જ સંભાળ્યાના પ્રથમ દિવસે જ કમિશનર રાઉન્ડમાં નીકળ્યા હતા.કમિશનર સ્વપ્નિલ ખરેએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકામાં સફાઈ બાબતે જે કામગીરી કરવામાં આવી રહી છે તેની આજે સમીક્ષા કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે કેટલાક વિસ્તારોની મુલાકાત પણ લીધી છે. સફાઈ કામદારો સાથે પણ વાતચીત કરી છે અને સફાઈ કામદારોની કામગીરી સંતોષકારક જણાઈ છે. અમુક જગ્યાએ નાગરિકોને પણ જ્યાં જવાબદારી છે તેમની સાથે પણ વાતચીત કરી છે અને લોકો પણ જાગૃત થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સાથે જ મોરબીની જનતાને અપીલ કરી હતી કે મોરબીને સ્વચ્છ રાખવા માટે સૌ લોકો સાથ સહકાર આપે. દુકાનદારો પણ સ્વચ્છતા જાળવે એવી અપીલ કરી હતી. એક અઠવાડિયાની અંદર સમગ્ર મોરબીના દરેક વિસ્તારોની મુલાકાત લઈશ તેમ પણ કમિશનરે જણાવ્યું હતું.