મોરબી : કોમર્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસ ખાતે 1500 વૃક્ષો વાવીને ઋણ ચૂકવ્યું અલગ અલગ ક્ષેત્રોમાં મોભાદાર સ્થાન પર કાર્યરત રહેતા ભૂતપૂર્વ વિધાર્થીઓએ કોલેજ કેમ્પસને લીલોછમ હરિયાળો બનાવવા વૃક્ષો વાવીને ઉછેરનો સંકલ્પ લીધો મોરબી : શાળા,હાઈસ્કૂલ કે કોલેજ છૂટી ગયા બાદ ગમે તે મોભાદાર ક્ષેત્રેમાં હોય તો પણ ભૂતપૂર્વ વિધાર્થીઓ પોતે જ્યાંથી વિદ્યાદાન અને સંસ્કાર મેળવ્યા છે તેનું ઋણ કયારેય ભૂલતા નથી.ત્યારે આજે મોરબીની કોમર્સ કોલેજના ભૂતપૂર્વ વિધાર્થીઓ કોલેજનું ઋણ ચૂકવવા માટે જાતે જ શ્રમદાન કરીને કોલેજ કેમ્પસમાં 1500 જેટલા વૃક્ષો વાવ્યા હતા અને આ વાવેલા વૃક્ષોને મોટા કરીને ઉછેરવાની પણ જવાબદારી લીધી હતી. મોરબીના નઝરબાગ રેલવે સ્ટેશન પાસે ભડિયાદ રોડ ઉપર આવેલ વર્ષો જૂની કોમર્સ કોલેજમાંથી ઉમદા શિક્ષણ લઈને આજે અનેક ભૂતપૂર્વ વિધાર્થીઓ કોઈને કોઈ ઉંચા સ્થાન પર બિરાજમાન થઇને આ કોલેજનું નામ રોશન કરી રહ્યા છે.આ કોમર્સ કોલેજમાં ઘણા ભૂતપૂર્વ વિધાર્થીઓ વકીલ, પત્રકાર, ઉધોગપતિઓ સહિતના મોભાદર સ્થાન ઉપર ફરજ બજાવી રહ્યા છે. ઉંચા દરજ્જે હોવા છતાં ભૂતપૂર્વ વિધાર્થીઓ આ કોમર્સ કોલેજ તરફથી મળેલા શિક્ષણ મૂલ્યો અને સંસ્કાર તથા સિદ્ધાંતો ભૂલ્યા નથી.ત્યારે આવા મોભાદાર સ્થાન પર રહેલા આ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતે મેળવેલા શિક્ષણ અને સંસ્કારનો વારસો જળવી રાખીને ઋણ અદા કરવા માટે કોલેજ કેમ્પસ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં વકીલ, પત્રકાર, ઉધોગપતિ સહિતના ક્ષેત્રેમાં કાર્યરત રહેતા ભૂતપૂર્વ વિધાર્થીઓ આજે સમય કાઢીને પણ કોલેજ કેમ્પસને લીલોછમ હરિયાળો બનાવવા પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું અને મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિધાર્થીઓ કોમર્સ કોલેજના પાછળના ભાગના મેદાનમાં આશરે 1500 જેટલા વૃક્ષોનું જાતે જ શ્રમદાન કરીને વાવેતર કર્યું હતું અને આ વૃક્ષોને ઉછેરીને મોટા કરવાનો સંકલ્પ લીધો હતો.ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની કોલેજ પ્રત્યેની આવી નેક ભાવના જોઈને સમગ્ર કોમર્સ કોલેજ પરિવાર ગડગદિત થઈ ગયો હતો.