બેડની સ્થિતિ દિવસમાં બે જ વખત અપડેટ થતી હોય તો હેલ્પલાઇન નંબર 24×7 ચાલુ રાખીને શુ ફાયદો? સો મણનો સવાલ મોરબી : મોરબી જિલ્લા કલેકટર તંત્ર દ્વારા બેડની સ્થિતિ અંગે લોકોને માહિતી આપવા માટે જે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. તે હેલ્પલાઇન નંબર જ હેલ્પલેસ બની ગયો છે. કારણકે હેલ્પલાઇન નંબર ઓપરેટ કરતા કર્મચારીઓને દિવસમાં માત્ર બે જ વખત બેડની અપડેટ મળતી હોય તો તેઓ 24×7 હેલ્પલાઇન નંબર ચલાવીને પ્રજાની શુ મદદ કરશે તેવો અણિયાનો સવાલ ઉભો થયો છે. મોરબી જિલ્લામાં કોરોનાના કેસોમાં ભયંકર ઉછાળો નોંધાઇ રહ્યો છે. જિલ્લામાં બેડની ભારે તંગીને કારણે દર્દીઓ અને તેના પરિવારજનો રઝળપાટ કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી કે આજે બુધવારે સવારે 6 વાગ્યાથી બેડની સ્થિતિ અંગેની માહિતી પ્રજાને આપવા હેલ્પલાઇન નંબર શરૂ થનાર છે. આ જાહેરાત મુજબ આજથી હેલ્પલાઇન નંબર પણ શરૂ થઈ ગયો છે. આજે શરૂ થયેલા આ હેલ્પલાઇન નંબરની ફરિયાદોનો ધોધ પણ વહેવાનો શરૂ થઈ ગયો છે. લોકો એવી ફરિયાદ કરી રહ્યા છે કે હેલ્પલાઇન નબરમાંથી બેડની સ્થિતિ અંગેની સચોટ વિગતો મળતી નથી. લોકોની આ ફરિયાદ અંગે અધિક કલેકટરને જાણ કરતા તેઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં બેડની સ્થિતિની અપડેટ દિવસમાં બે વખત થાય છે. એક વખત બપોરે 12 વાગ્યે અને બીજી વખત રાત્રે 8 વાગ્યે બેડની સ્થિતિની અપડેટ મળે છે. જે પ્રમાણે હેલ્પલાઇન લોકોને વિગતો પુરી પાડે છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે જો બેડની અપડેટ દિવસમાં બે વખત જ લેવામાં આવતી હોય તો બેડની માહિતી આપતી હેલ્પલાઇનને 24× 7 ચલાવીને શુ ફાયદો? મતલબ કે બપોરે 12 વાગ્યે અપડેટ આવ્યા બાદ તે જ અપડેટના આધારે રાત્રે 8 વાગ્યા સુધી લોકોને વિગતો અપાઈ છે. આવી જ રીતે રાત્રે 8 કલાકે આવેલી અપડેટની વિગતો બીજે દિવસે બપોરે 12 વાગ્યા સુધી લોકોને આપવામાં આવે છે. આમ હેલ્પલાઇનમાંથી મળેલી વિગત અને વાસ્તવિકતામાં ઘણો અંતર રહે તે તો નક્કી જ છે.