વારસદારોની વિસંગતતાને પગલે દિવાની અદાલતમાંથી વારસાઈ પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ રેવન્યુ રેકર્ડમાં નોંધ પાડવા કલેક્ટર સ્વપ્નિલ ખરેનો આદેશ દસ્તાવેજમાં સર્વે નંબરનો ઉલ્લેખ ન હોવાથી વારસાઈ નોંધ સામે જમીન ખરીદી હોવાનો દાવો કરનાર આસામીનો દાવો પણ ફગાવી દેવાયોમોરબી : જીલ્લામાં હળવદ ગામના રેવન્યુ સર્વે નં. 1907 ની ખેતીની જમીનમાં મૂળ ખાતેદારના અવસાનના 100 વર્ષ બાદ પાડવામાં આવેલી વારસાઈ નોંધ અંગેના વિવાદમાં આ જમીન ખરીદ કરી હોવાનો દાવો થતા નોંધ તકરારી થતા પ્રાંત અધિકારી દ્વારા વારસાઈ નોંધ ના મંજુર કરવામાં આવ્યા બાદ વારસદારો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે સમક્ષ અપીલ કરતા આ કિંમતી જમીન મામલે જિલ્લા કલેકટરે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. કલેક્ટરે અરજદારોની અપીલ અરજી નામંજૂર કરી હળવદ પ્રાંત અધિકારીનો વારસાઈ નોંધ રદ કરતો હુકમ કાયમ રાખ્યો છે અને સિવિલ કોર્ટમાંથી વારસાઈ પ્રમાણપત્ર મેળવવા આદેશ કર્યો છે. હળવદના રેવન્યુ સર્વે નં. 1907 ની 2-04-37 હે.આરે.ચો.મી. જમીન રેકર્ડમાં મોતીભાઈ નથુભાઈ રાજગરના નામે ચાલતી હતી.જેમાં તેમનું અવસાન તા. 1 જુલાઈ, 1925ના રોજ થયું હોવાથી, તેમના વારસદાર તરીકે ભગવતીબેન મણીશંકર જોષી સહિત 15 અરજદારોના નામ દાખલ કરવા નવેમ્બર 2025માં વારસાઈ નોંધ નં. 26645 પાડવામાં આવી હતી. આ વારસાઈ નોંધ સામે મનજીભાઈ પ્રેમાભાઈ કોળીએ વાંધો ઉઠાવી રજૂઆત કરી હતી કે તેમના પિતાએ વર્ષ 1950માં રજિસ્ટર્ડ દસ્તાવેજથી આ જમીન ખરીદી હતી અને ત્યારથી તેઓ પ્રત્યક્ષ કબજો ધરાવે છે. ફેબ્રુઆરી 2026માં હળવદ નાયબ કલેક્ટરે તકરારી કેસમાં વાંધા અરજી અગ્રાહ્ય રાખવાની સાથે વારસાઈ નોંધ નં. 26645 પણ નામંજૂર કરી હતી, જેની સામે અરજદારોએ કલેક્ટર સમક્ષ અપીલ કરી હતી. આ કેસમાં જિલ્લા કલેક્ટરે નોંધ્યું હતું કે સામાવાળાના 1950ના વેચાણ દસ્તાવેજમાં આ સર્વે નંબરનો સ્પષ્ટ ઉલ્લેખ નથી અને સિવિલ કોર્ટમાં તેમનો દાવો પણ નામંજૂર થયેલો છે. સાથે જ વાંધો લેનાર આસામીઓ દ્વારા પ્રમોલગેશન નોંધને પણ પડકારી ન હોવાનું નોંધ્યું હતું.બીજી તરફ, અરજદારો દ્વારા અગાઉ વર્ષ 2009માં પડેલી નોંધ નં. 12112 અને હાલની નોંધ નં. 26645 માં રજૂ થયેલા સોગંદનામા તથા પેઢીઆંબામાં વારસદારોના નામોમાં મોટી વિસંગતતા જણાતી હોવાથી મૂળ ખાતેદારના અવસાનને લાંબો સમય વીતી ગયો હોય ખરા વારસદારો નક્કી કરવાની સત્તા મહેસૂલી કોર્ટને નહીં પરંતુ સિવિલ કોર્ટને હોવાથી, કલેક્ટરે અપીલ નામંજૂર કરી છે. કલેક્ટરે ઠરાવ્યું છે કે અરજદારોએ સક્ષમ દિવાની કોર્ટમાંથી વારસાઈ પ્રમાણપત્ર મેળવીને જ રેકર્ડમાં ધોરણસરની વારસાઈ નોંધ દાખલ કરવાની રહેશે.