માળીયા તાલુકાના વાઘરવા ગામની જમીનમાં પ્રાંત અધિકારીએ પ્રમોલગેશન નોંધમાં કર્યો હતો સુધારો, રિવિઝન કેસમાં 38 પાનાનો જિલ્લા કલેક્ટરનો ચુકાદોદસ્તાવેજ સર્વે નં. ૫૪૮નો હોવા છતાં સર્વે નં. ૫૨૧માં પ્રાંત અધિકારીએ ખોટી રીતે નામ દાખલ કર્યાનું ખૂલ્યું : જાડેજા પરિવારની રીવિઝન અરજી મંજૂર: મૂળ પ્રમોલગેશન નોંધ યથાવત રાખવા કલેક્ટરનો આદેશમોરબી : માળીયા મિયાણા તાલુકાના વાઘરવા ગામની કિંમતી જમીનને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલતા મહેસૂલી વિવાદમાં મોરબી જિલ્લા કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરેએ સીમાચિહ્નરૂપ ચુકાદો આપી તત્કાલીન હળવદ પ્રાંત અધિકારી દ્વારા પ્રમોલગેશન નોંધમાં સતા બહાર જઇ કરવામાં આવેલ હુકમોને કાયદાથી વિપરીત અને અધિકારક્ષેત્ર બહારના ગણાવીને રદ બાતલ ઠેરવ્યા છે. આ આદેશથી વાઘરવા ગામના રેવન્યુ સર્વે નં. ૫૨૧ ની જમીન મૂળ ખાતેદારના નામે પુનઃ પ્રસ્થાપિત કરવા હુકમ કરવામાં આવ્યો છે.આ મહત્વપૂર્ણ કેસની વિગત જોઈએ તો હળવદ તાલુકાના વાઘરવા ગામના સર્વે નં. ૫૨૧ (હાલના સર્વે નં. ૫૨૧પૈકી૧ તથા ૫૨૧પૈકી૨) ની જમીનની મૂળ પ્રમોલગેશન નોંધ નં. ૧૬૬૦ મુજબ સ્વ. જાડેજા ભીખુભા ભુરુભાના નામે નોંધાયેલી હતી. જોકે, હળવદ પ્રાંત અધિકારી દ્વારા તા. ૦૬/૧૦/૨૦૨૨ અને ૦૮/૦૭/૨૦૨૫ ના રોજ હુકમ કરી આ પ્રમોલગેશન નોંધમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને ખાતેદાર તરીકે શાંતિલાલ તારાચંદ મહેતાનું નામ દાખલ કરવા આદેશ કરાયો હતો. આ નિર્ણય સામે જાડેજા પરિવારના કુલમુખત્યાર દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરની કોર્ટમાં રીવિઝન અરજી દાખલ કરી હતી. જે અંગેનો કેસ ચાલી જતા જિલ્લા કલેક્ટરની કોર્ટે રેવન્યુ રેકર્ડ, કે.જે.પી. અને દસ્તાવેજી પુરાવાઓનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો. જેમાં સ્પષ્ટ થયું હતું કે, શાંતિલાલ તારાચંદ દ્વારા વર્ષ ૧૯૬૭માં જે વેચાણ દસ્તાવેજ (નોંધ નં. ૯૨૩) કરવામાં આવ્યો હતો, તેમાં ઢોરો અને સોખડાના મારગ નામ ખેતરનો ઉલ્લેખ હતો, જેની ચતુર્દિશા ખરેખર સર્વે નં. ૫૪૮ ની જમીન સાથે મળતી આવે છે. જ્યારે સર્વે નં. ૫૨૧ નું ખેતર અલગ હતું. છતાં ગેરસમજથી સર્વે નં. ૫૨૧માં ફેરફાર કરવામાં આવ્યો હતો. વધુમાં આ કેસમાં જિલ્લા કલેક્ટરએ નોંધ્યું હતું કે પ્રમોલગેશન નોંધમાં ફેરફાર કરવાની સત્તા નાયબ કલેક્ટર પાસે ન હોવા છતાં તેમણે હુકમ કર્યો હતો, જે કાયદેસર રીતે અયોગ્ય હતો.આ તમામ હકીકતોને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ અરજદાર જાડેજા પરિવારની રીવિઝન અરજી મંજૂર કરી છે. કલેક્ટર કોર્ટે આદેશ કર્યો છે કે વાઘરવા ગામના સર્વે નં. ૫૨૧ ની જમીન અંગે મૂળ પ્રમોલગેશન નોંધ નં. ૧૬૬૦ મુજબ જાડેજા ભીખુભા ભુરુભાના નામે જમીન પ્રસ્થાપિત કરવામાં આવે. તદુપરાંત, અગાઉના ખોટા હુકમના આધારે પડેલી ઉતરોત્તર નોંધો નં. ૨૧૨૯, ૩૫૧૭, ૫૧૦૬, ૩૭૭૨, ૫૧૦૯, ૫૧૧૩, ૫૦૬૭, ૫૪૫૭, ૫૪૫૮ અને ૫૭૧૯ ને આ જમીન પૂરતી સંપૂર્ણપણે રદબાતલ ઠરાવવામાં આવી છે. આ ચુકાદાથી ગેરકાયદેસર વેચાણ કરનારાઓને મોટો ઝટકો લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કેસ ચાલુ હોય તેવા સમયે જ ગુજરનાર શાંતિલાલ તારાચંદ મહેતાના વારસદારોએ આ વિવાદિત ગણાતી જમીન અન્યોને વેચી નાખી હોય જેથી આ વિવાદિત જમીન ખરીદ કરનાર મોરબીના નાની વાવડી અને બોટાદના લાઠીદળ ગામના જમીન ખરીદનાર ચાર આસામીઓના નામે થયેલ વેચાણ નોંધ પણ રદ કરવા જિલ્લા કલેકટર દ્વારા હુકમ કરવામાં આવ્યો હોય વિવાદિત જમીન ખરીદનાર અસામીઓના દસ્તાવેજ પણ નિરર્થક બન્યા હોવાનું આ હુકમ પરથી સ્પષ્ટ બન્યું છે. જિલ્લા કલેકટર દ્વારા 38 પાનાના આ ઐતિહાસિક ચુકાદાને પગલે તત્કાલીન હળવદ પ્રાંતના ચુકાદાની અસર બેઅસર થવાની સાથે જ મૂળ માલિકોને રાહત મળી છે.