આગામી ૧૫ દિવસોમાં કેસો પરત નહીં ખેંચાય તો સમગ્ર રાજ્યમાં રચનાત્મક કાર્યક્રમો કરવાની પાટીદાર અનામત આંદોલન સમિતિની તૈયારી મોરબી : વર્ષ ૨૦૧૫માં પાટીદાર સમાજને અનામત વર્ગમાં સમાવવાની માંગને લઈને આંદોલન થયું હતું. આ દરમ્યાન આંદોલનને કચડવા માટે સરકાર દ્વારા આંદોલન સમિતિના નેતાઓ, હોદ્દેદારો અને અનેક યુવકો પર સરકારે કેસો દાખલ કર્યા હતા. સરકાર સાથેની વારંવારની મંત્રણાઓ બાદ આ તમામ કેસો પરત ખેંચવાની જે-તે સમયે સરકાર દ્વારા ખાત્રી આપવામાં આવી હતી. આમ છતાં આજ સુધી નાના કેસોને બાદ કરતા હજુ ઘણા કેસોને સરકારે પરત ખેંચ્યા ન હોવાથી પાટીદાર સમાજના ઘણા યુવાનો નિયમિતપણે કોર્ટના ચક્કર કાપી રહ્યા છે. આ બાબતને લઈને પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા મોરબી જિલ્લા કલેકટરને એક આવેદન આપવામાં આવ્યુ છે. પાટીદાર અનામત આંદોલન દરમ્યાન સરકારી તંત્રે સમાજના યુવકો પર આડેધડ કેસો દાખલ કર્યા હતા. આમા આંદોલનના પ્રમુખ નેતાઓ જેમકે હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરીયા સહિતના યુવકો પર અસંખ્ય કેસો દાખલ કરાયા હતા. ઘણા યુવાનોએ લાંબી જેલની સજા પણ કાપી હતી. જો કે આંદોલનકારીઓની માંગણીમાં વ્યાજબીપણું જણાતા સરકારે બિન અનામત વર્ગમાં આવતા સવર્ણો માટે ૧૦ ટકા અનામતની જોગવાઈ કરવી પડી હતી. આંદોલન દરમ્યાન સમાજના યુવાનો પર થયેલા તમામ કેસો પરત લેવાની મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી દ્વારા મીડિયા સમક્ષ જાહેરાત કરવામાં આવી હતી. જેનુ હજુ અક્ષરસ: પાલન થયું ન હોવાથી ઘણા નિર્દોષ યુવાનો વર્ષોથી કોર્ટના ચકકરો કાપી રહ્યા છે. સરકારે આપેલી ખાત્રી પાળીને તમામ કેસો આવનારા ૧૫ દિવસોમાં પરત ખેંચે એવી લેખિત રજુઆત આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને કરાઈ હતી. અન્યથા ૧૫ દિવસો બાદ સમગ્ર રાજ્યમાં રચનાત્મક કાર્યક્રમો કરવાની સમિતિને ફરજ પડશે એવું લેખિત રજુઆતમાં જણાવાયું છે. ત્યારે આવનારા ૧૫ દિવસો દરમ્યાન સરકાર આ બાબતે કેવા પ્રત્યાઘાતો આપે છે તે જોવુ રહ્યું.