હાલ બોર્ડ ઉપર માત્ર 46 કેસો, જેમાં 3 મહિનાથી જૂનો એક પણ કેસ નહિ મોરબી : મોરબી જિલ્લા કલેકટરે અઠવાડિયામાં બે દિવસ ઓપન કોર્ટ યોજી પેન્ડિંગ કેસોનો ધડાધડ નિકાલ કરી નાખ્યો છે. તેઓએ બોર્ડને એટલું ચોખ્ખું ચણાક કરી દીધું છે કે હવે ત્રણ મહિનાથી જૂનો એકેય કેસ વધ્યો નથી. માત્ર 46 કેસો અત્યારે બોર્ડમાં છે. તેમાં પણ 11 કેસો ચુકાદાની અણીએ પહોંચેલા છે. આમ કેસોનો ઝડપી નિકાલ થતા અરજદારોનો સમય વેડફાતો બચ્યો છે.મોરબી જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લામાં તકરારી, નોંધના અને અન્ય પેન્ડિંગ કેસોના નિકાલ માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા 3 મહિનાથી દર સોમવાર અને ગુરુવારે બપોરે 3 વાગ્યે ઓપન કોર્ટમાં નિયમિત સુનાવણી કરવામાં આવે છે. આ પ્રક્રિયાને કારણે વર્ષો જુના તમામ પડતર તમામ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. જૂન મહિનામાં 54, જુલાઈમાં 56 અને 23 ઓગસ્ટ સુધીમાં 59 મળી છેલ્લા ત્રણ મહિનામાં 159 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. હાલમાં બોર્ડ પર માત્ર 46 કેસ બાકી છે, જે તમામ 0 થી 3 મહિનાના સમયગાળાના છે, અને તેમાંથી પણ 11 કેસના ચુકાદા આગામી 1 અઠવાડિયામાં પક્ષકારોને રૂબરૂ આપી દેવામાં આવશે.આ અંગે કલેકટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે 1 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ એક કેસનો યોગ્ય અભ્યાસ કરી માત્ર 2 મુદતમાં તેનો નિકાલ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં સ્ટાફ, વકીલો અને પક્ષકારોનો મોટો સહકાર મળ્યો છે. ચુકાદાની તારીખ અગાઉથી જ જણાવી દેવામાં આવે છે અને ખુલ્લી અદાલતમાં ચુકાદો આપવામાં આવે છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગની સૂચના મુજબ મોરબીમાં પણ iRCMS પોર્ટલનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. કલેકટરે અરજદારો અને વકીલોને ખાસ અપીલ કરી છે કે હવેથી કેસ ફાઈલિંગ અને કાગળોની પૂર્તતા ઓનલાઈન માધ્યમથી જ કરવામાં આવે. ઓનલાઈન સિસ્ટમથી અરજદારો જાતે જ પોતાના લોગીન દ્વારા કેસ રજીસ્ટર કરી શકશે અને તેનું સ્ટેટસ સીધું જ જાણી શકશે, જેથી કચેરીના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. મેન્યુઅલ પ્રક્રિયામાં કાગળો ગુમ થવા કે કેસ દાખલ ન થવા જેવી મુશ્કેલીઓ નિવારવા માટે આ પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.