તહેવારોમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં સુવિધા જાળવવા કલેકટરને રજુઆત મોરબી : સાતમ-આઠમના તહેવારોમાં મોરબી સિવિલ હોસ્પિટલના તબીબો રજા પર ઉતરી જતા હોવાથી દર્દીઓને હાલાકીનો ભોગ બનવું પડતું હોવાનું જણાવી સામાજિક કાર્યકરે જિલ્લા કલેકટરને રજુઆત કરી તહેવારોમાં હોસ્પિટલની સુવિધા જળવાઈ રહે તેવા પગલાં ભરવા માંગણી ઉઠાવી છે. સામાજિક કાર્યકર જનક રાજાએ મોરબી જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરતા જણાવ્યું હતું કે મોરબી સિવિલ હોસ્પિટલમાં સાતમ-આઠમના તહેવારોમાં તબીબો અને કર્મચારીઓ રજા ઉપર ઉતરી જઈ હરવા ફરવા જતા રહેતા હોવાથી ઇમરજન્સી કેસ,પ્રસૂતિકેસ સહિતના કિસ્સાઓમાં ગરીબ દર્દીઓને ના છૂટકે ખાનગી દવાખાનામાં સારવાર માટે જવું પડે છે આ ઉપરાંત તહેવારોમાં રોગચાળાનું પ્રમાણ પણ વધતું હોય લોકોની આરોગ્યની સુવિધા જળવાઈ રહે તે જરૂરી છે. આથી જિલ્લા કલેક્ટરશ્રી તહેવારોની રજામાં સિવિલ હોસ્પિટલમાં તમામ સુવિધા ચાલુ રહે તેવી વ્યવસ્થા ગોઠવવા અંતમાં માંગણી ઉઠાવવામાં આવી હતી.