મેડીકલ કોલેજને કારણે સિવિલમાં ગાયનેક સહિતના વિભાગ તબીબ સહિતનો નવા સ્ટાફની કુનેહ અને નિષ્ઠાપૂર્વક ફરજથી જટિલ કેસોમાં પણ ઉમદા સારવાર મળી મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની મનમાની તેમજ કથળેલા વહીવટથી દર્દીઓને થતી હેરાનગતિમાં હવે સુધારો થયો છે. ખાસ કરીને મેડીકલ કોલેજ આવવાથી મોરબી સિવિલ હોસ્પિટલના ગાયનેક સહિતના વિભાગોમાં નવા યંગ તબીબો, સર્જનો સહિતનો સ્ટાફ આવતા આ સ્ટાફની કુનેહપૂર્વક અને નિષ્ઠાપૂર્વક ફરજથી દર્દીઓને સારી સારવાર મળી રહે છે. ખાસ કરીને ગાયનેક વિભાગમાં અગાઉ સ્ટાફ ન હોય પ્રસુતિમાં પડતી તકલીફ વચ્ચે હવે નવો તબીબ સહિતના સ્ટાફે ઉમદા રીતે ફરજ બજાવતા નવેમ્બર માસમાં હાઈએસ્ટ કહી શકાય તેટલી 330 જેટલી પ્રસુતિ સફળતાપૂર્વક થઈ છે. સિવિલના ગાયનેક વિભાગમાં ગયા ઓક્ટોબર માસમાં 279 જેટલી પ્રસૂતી થઈ હતી. પણ કલાસ વન ગાયનેક તબીબ ડો.મીનાક્ષી ખૂટ અને ડૉ. મીરલ આદ્રોજા, એસોસીએટ ડોક્ટર ઝલક કારેણા, બે મેડિકલના વિદ્યાર્થીઓ સહિતના સ્ટાફની ખંતપૂર્વક કામગીરીને કારણે અત્યાર સુધીમાં નવેમ્બરમાં માસ સૌથી વધુ ડિલિવરી થઈ શકી છે. જો કે ઘણા કેસમાં નોર્મલ ડિલિવરી થતી હોવા છતાં ખાનગી હોસ્પિટલમાં વધુ પૈસાની લાલચે સિઝેરિયન કરવું પડતું હોય એવા અનેક કિસ્સા સામે આવ્યા છે. જ્યારે સિવિલના ગાયનેક વિભાગમાં તબીબો બહુ જ કોમ્પ્લિકેટ કેસ હોય તો સિઝેરિયન કરાવે છે. સિવિલના ગાયનેક વિભાગમાં જે 330ની ડિલેવરી થઈ છે તેમ એક ટવીન્સ છે અને વેક્યુમ ડિલિવરીમાં ઘટાડો થયો છે. અગાઉ 12 જેટલી વેક્યુમ ડિલિવરી થતી હવે આ 330માં એક જ વેક્યુમ ડિલેવરી કરવામાં આવી છે. 267 જેટલી નોર્મલ ડિલિવરી કરવામાં આવી છે. જો કે ગયા મહિને ગાયનેક વિભાગમાં બેડ પણ ખૂટી પડે એટલી પ્રસુતિ થઈ છે. એટલે પ્રસુતાઓને બીજા વિભાગમાં રાખવા પડ્યા હતા. તેમજ ઓપીડીમાં પણ બેડ ઓછા પડે સૌથી વધુ 465 દર્દીઓ દાખલ થયા હતા.જ્યારે ખાનગી હોસ્પિટલમાં મોધાં ખર્ચ બાદ પણ પ્રસુતિ નોર્મલ રીતે થાય તેવા બહુ ઓછા કિસ્સા હોય એની સામે સિવિલમાં રેર કેસમાં સિઝેરિયન કરાતું હોય અને સારી સારવાર મળતી હોવાથી સામાન્ય લોકોની સાથે પૈસે ટેકે સુખી સંપન્ન લોકો તેમજ ખુદ સિવિલનો સ્ટાફ પણ સિવિલમાં સારવાર લેતો થઈ ગયો છે. આ ઉપરાંત બીપી, ટીબી સહિતના રોગોના જટિલ કેસોમાં ખાનગી હોસ્પિટલ પણ હાથ જાલતી ન હોય તેવા જટિલ કેસોની પણ સિવિલમાં હવે સારી રીતે સારવાર કરવામાં આવે છે.