મામલતદાર કચેરીમાં વારસાઈ એન્ટ્રીની નોંધ માટે માંગી હતી લાંચ મોરબી : મોરબી સીટી મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર રૂ.1 હજારની લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી ગઇ છે.એસીબીના છટકામાં સર્કલ ઓફિસર રૂ.1 હજારની લાંચ લેતા આબાદ ઝડપાયા હોવાનું જાણવા મળ્યું છે.મામલતદાર કચેરીમાં વારસાઈ એન્ટ્રી નોંધ માટે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી મામલતદાર ઓફીસમાં સર્કલ ઓફિસર તરીકે કામ કરતા જુવાનસિંહ રતનસિંહ ખેર, ઉ.વ.૩૫ રૂ.1000 રૂપિયાની લાંચ લેતા એંસીબીના છટકામાં આબાદ રીતે ઝડપાઇ ગયા હોવાનું જાણવા મળે છે.એક અરજદારે આ સર્કલ ઓફિસર સામે લાંચ માંગ્યાની એસીબીમાં ફરિયાદ કરી હતી.જેના આધારે એસીબીએ આજે છટકું ગોઠવીને સર્કલ ઓફિસરને લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધા હતા. એ.સી.બી.ને હકિકત મળેલ કે, સીટી મામલતદાર કચેરીમાં વારસાઇ નોંધ પ્રમાણિત કરી આપવાના કામમાં ગેરકાયદેસર રીતે રૂપીયા ૧૦૦૦ થી ૨૦૦૦ સુધીની માંગણી કરી રકમ ન આપે તો યેનકેન પ્રકારે નોંધ કરતા નથી.જેથી આ બાબતે અરજદારે એસીબીની મદદ માંગતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. તે દરમ્યાન સર્કલ ઓફિસરે અરજદારની વારસાઇ નોંધ કરવા માટે રૂા.૧,૦૦૦/-ની લાંચ સ્વીકારતા ઝડપાઇ ગયા હતા. આ અંગે એ.સી.બી. પો.સ્ટે.મોરબીના પોલીસ ઇન્સ્પેકટર પી.કે. ગઢવી વધુ તપાસ ચલાવી રહ્યા છે.