મોરબી : તારીખ 26 એપ્રિલના રોજ મોરબી શહેરમાં નવલખી રોડ પર ખુલ્લી ગટરમાં પડી જવાના કારણે અંદાજે છ વર્ષના બાળકનું મોત થયું છે. જેના કારણે પરિવાર પર દુ:ખ તુટી પડ્યું છે. ત્યારે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરીને બાળકના પરિવારને આર્થિક સહાય ચૂકવી ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે મહાનગરપાલિકાના યોગ્ય કર્મચારીની જવાબદારી ફિક્સ કરવા રજૂઆત કરી છે.પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, મોરબી શહેરમાં આવી અનેક ગટરો આવી છે. જેમાં અમુક ગટરોના ઢાંકણા તૂટી ગયા છે. અમુક ગટરો ખુલ્લી છે. અમુક ગટરોમાં કચરો ફસાઈ ગયો છે. જેના કારણે મોરબી શહેર ગંદકીમાં ઘેરાય ગયું છે. પ્રજા પાસેથી માતબર વેરો વસૂલ કરવા છતાં પણ લોકોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. આ માસુમ બાળકનો શું વાંક હતો ? કે મહાનગરપાલિકાની બેદરકારીના કારણે તેમના પરિવારને આવું દુઃખ સહન કરવાનો સમય આવ્યો છે. શું કર્મચારીઓને ઓફિસમાં બેસવાનો જ પગાર ચૂકવવામાં આવે છે ? શું તેમની કોઈ જવાબદારી નથી ? આવા વેધક સવાલો ઉઠાવીને પુષ્પરાજસિંહ જાડેજાએ બાળકના પરિવારને આર્થિક સહાય ચૂકવવા તથા ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે મહાનગરપાલિકાના યોગ્ય કર્મચારીની જવાબદારી ફિક્સ કરવા જણાવ્યું છે.