હડતાલના કારણે પ્રજાને પડતી મુશ્કેલીઓ અંગે અવગત કરવા મોરબીના વકીલની મુખ્યમંત્રી અને મહેસૂલમંત્રીને રજૂઆત મોરબી : મોરબીના વકીલ ધર્મેન્દ્ર બારેજીયાએ મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે ચાલી રહેલ અચોક્કસ મુદ્દતની હડતાળથી નાગરિકોને થતી મુશ્કેલીઓ બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલને અવગત કરવા માટે તેઓને લેખિત રજૂઆત કરી હતી. તાજેતરમાં મહેસુલી કર્મચારીઓ દ્વારા પોતાની માંગણીઓનો ઉકેલ લાવવા માટે ગત તા. 9 ડિસેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાલ સમગ્ર ગુજરાતમાં જાહેર કરવામાં આવેલ છે. જે હાલમાં પણ ચાલુ છે. જેના કારણે નાગરિકોને મહેસુલી કાર્યોમાં ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહેલ છે. તેમજ આમ જનતાના કામકાજનું નિરાકરણ થતું નથી. તેમજ તેઓનો સમય હડતાળના કારણે વેડફાય છે. આમ, જાહેર જનતાના કાર્યો અટકી જવાથી તેઓમાં સરકાર પ્રત્યે નકારાત્મક ભાવના ઉદ્ભવી રહી છે. જે ભવિષ્યમાં વહીવટી તંત્ર માટે હિતાવહ ન હોય. તેથી, પ્રજાનો સરકાર પર વિશ્વાસ જળવાય રહે તે હેતુથી તેમજ નાગરિકોને હડતાળના કારણે પડતી હાલાકી અંગે અવગત કરવા માટે તથા હડતાળના અનુસંધાને યોગ્ય પગલાં લેવા માટે વકીલ ધર્મેન્દ્ર બારેજીયા દ્વારા મુખ્યમંત્રી અને મહેસૂલમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.