૧૦૦૦ સિરામિક ફેક્ટરીને ગેસ આપવાની ગુજરાત ગેસ કંપનીની કેપિસિટી : એનજીટીના ચુકાદાથી સિરામિક ઉદ્યોગને ચિંતા કરવાની જરૂર નથી : સંતોષ ઝોપે મોરબી : નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા આજે કોલગેસ પ્લાન્ટ થકી પ્રદુષણ ફેલાવતા સિરામિક એકમોને કોલગેસ પ્લાન્ટ બંધ કરવા આદેશ જારી કરતા સિરામિક ઉદ્યોગમાં ચિંતાના વાદળો ઘેરાયા છે ત્યારે સિરામિક એકમોને નેચરલ ગેસ પૂરો પાડતી ગુજરાત ગેસ કંપનીએ સિરામિક ઉદ્યોગને ધરપત આપતા જાહેર કર્યું છે કે ગુજરાત ગેસ ૧૦૦૦ સિરામિક ફેક્ટરીને ગેસ પૂરો પાડવા સક્ષમ છે, અને તમામ યુનિટો સુધી પાઇપલાઈન નેટવર્ક પણ બિછાવાયેલ છે જેથી સિરામિક ઉદ્યોગને ચિંતા કરવાની જરૂરત નથી. સમગ્ર વિશ્વમાં ડંકો વગાડનાર મોરબીના સિરામિક ઉદ્યોગમાં કોલગેસ પ્લાન્ટ થકી ચાલતા કેટલાક એકમો દ્વારા પ્રદુષિત કેમિકલ - કડદાનો ગેરકાયદેસર નિકાલ કરવા આવતો હોવાથી આ મામલે વર્ષ ૨૦૧૭માં થયેલ કેસનો આજે એનજીટીએ ચુકાદો આપી કોલગેસ પ્લાન્ટથી ચાલતા તમામ એકમો બંધ કરવા આદેશ આપતા સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. જો કે, સારી બાબત એ છે કે મોરબીમાં ગુજરાત ગેસ કંપની દ્વારા તમામ ફેકટરીઓને પૂરતા પ્રમાણમાં ગેસ મળી શકે તેવું નેટવર્ક ઉભું કરેલું છે જેથી કોલગેસ પ્લાન્ટ ધરાવતી કંપનીઓ જો પીએનજી કનેકશન મેળવી લે તો પ્લાન્ટ બંધ કરવાની નોબત જ ન આવે. મોરબી ગુજરાત ગેસ કંપનીના સંતોષ ઝોપેએ મોરબીના સિરામિક ઉદ્યોગ માટે આવી પડેલી આ મુશ્કેલ સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, ઉદ્યોગકારોને ચિંતા કરવાની જરૂર નથી ગુજરાત ગેસ કંપની દ્વારા હાલમાં તમામ વિસ્તાર માટે નવા કનેકશન ઉપલબ્ધ છે અને ખાસ કરીને સમગ્ર રાજ્યમાં સૌથી મજબૂત અને વિશાળક્ષેત્રમાં ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક હોવાથી વિના વિલંબે તમામ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માટે ઓન ડિમાન્ડ કનેકશન ઉપલબ્ધ છે. વધુમાં ગુજરાત ગેસ કંપનીના અધિકારી સંતોષ ઝોપેએ ઉમેર્યું હતું કે, હાલમાં ૪૫૦ ફેક્ટરીઓમાં ગુજરાત ગેસ કંપની ગેસ પૂરો પાડી રહી છે અને કુલ ૧૦૦૦ ફેક્ટરીઓને પાઇપલાઇન ગેસ પુરવઠો આપી શકાય તેટલી કેપિસિટી છે તે જોતા ૪૦૦ થી ૫૦૦ ફેકટરીઓ કે જે કોલગેસ યુઝ કરે છે તે તમામ ફેકટરીઓ સુધી ગુજરાત ગેસની પાઇપલાઇન બિછાવાયેલ હોય સિરામિક ફેકટરી સંચાલકોને આ ચુકાદાથી ગભરાવા જેવું નથી ઊલટું જો આ તમામ કંપનીઓ પાઇપલાઇન મારફતે આવતો નેચરલ ગેસનો વપરાશ કરે તો પર્યાવરણીય નુકશાનથી બચી શકવાની સાથે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ મોર્ડનાઇઝેશન તરફ આગળ વધી શકશે.