અમદાવાદ બચપન બચાવો અને મોરબી ચાઈલ્ડ લાઈન ટીમે ડ્યુરેઝા સીરામીકમાં સંયુક્ત કાર્યવાહી કરતા કારખાનેદારોમાં ફફડાટ : બાળ શ્રમિકોને ભગાડી દેવાયા મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રાણેકપર નજીક આવેલ ડયુરેઝા સિરામિક નામની ફેકટરીમાં આજે અમદાવાદ,મોરબી ચાઈલ્ડ લાઈન ટીમ દ્વારા દરોડા પાડી બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાનું ઝડપી લઈ ડઝનથી વધુ બાળ શ્રમિકોને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધારતા ખળભળાટ મચી જવાની સાથે નાના બાળકો પાસે મજદુરી કરાવતા કારખાનેદારોમાં દોડધામ મચી જવા પામી છે.ચોંકાવનારી બાબત તો એ છે કે ચાઈલ્ડ લાઈનની ટીમ સાથે ફેકટરીમાં અણછાજતો વ્યવહાર થવાની સાથે બાળ શ્રમિકોને પણ ભગાડી દેવામાં આવ્યાનું જાણવા મળે છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર રાણેકપર ગામ નજીક આવેલ ડયુરેઝા સિરામિક નામની ફેકટરીમાં બાળમજૂરો પાસે કાળી મજૂરી કરવામાં આવતી હોવાની બાતમી મળતા આજે અમદાવાદની બચપન બચાવો અને મોરબી ચાઈલ્ડલાઇન ટીમે દરોડો પાડયો હતો અને દરોડા દરમિયાન ડઝનથી વધુ બાળકો મજૂરી કરતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા પરંતુ કારખાનેદાર દ્વારા ચાઈલ્ડ લાઈન સ્ટાફ સાથે અણછાજતું વર્તન કરી બાળશ્રમિકોને ભગાડી દેવામાં આવ્યા હોવાનું ટીમના સભ્ય જણાવી રહ્યા છે. ચાઈલ્ડ લાઈન ટીમ દ્વારા હાલમાં બે બાળ શ્રમિકને સાથે રાખી પોલીસ મથકે લઇ જવાની કાર્યવાહી કરવામાં આવતા ચાઈલ્ડ લાઈનની ગાડીને પણ રોકી રાખવામાં આવી હોવાનું ચાઈલ્ડ લાઈન ટિમ દ્વારા જણાવાઈ રહ્યું છે અને આ ગંભીર બનાવ મામલે ફેક્ટરી માલિક વિરુદ્ધ ફરજમાં રુકાવટ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરાવવા વાંકાનેર તાલુકા મથકે દોડી ગયા છે.