ખુદ પાલિકા પ્રમુખ અને પાલિકાના ચેરમેનો તથા શહેર કોંગ્રેસ પ્રમુખની કલેકટરને રજૂઆત મોરબી : મોરબીમાં ચીફ ઓફિસરની સતત ગેરહાજરીને કારણે સમસ્યાઓના ગંજ ખડકાયા હોવાની ખુદ પાલિકા પ્રમુખ અને પાલિકાના ચેરમેનો તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખએ કલેકટર સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.ચીફ ઓફસીરની ગેરહાજરીને લીધે પાણી, ભૂગર્ભ ગટરની સફાઈ, રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના પ્રાણ પ્રશ્નો ખોરંભે ચડ્યા હોવાનું જણાવીને આ પ્રજાના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની માંગ કરી છે. મોરબી નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા તથા પાલિકાના ચેરમેનો અને શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારીએ કલેકટર તથા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી કે, મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર તરીકે તાજેતરમાં નિમણુક થયેલા રાવલ 14 માર્ચના રોજ એક દિવસ પૂરતા હાજર રહ્યા બાદ તા.15 થી તા.26 માર્ચ આજદિન સુધી સળંગ 13 દિવસ સુધી નોન સ્ટોપ ગેરહાજર રહેતા પ્રજાના તમામ પ્રાણ પ્રશ્નો ટલ્લે ચડ્યા છે.જેમાં સફાઈના અભાવે ઠેરઠેર ભૂગર્ભ ગટરની ગંદકીથી ઓવરફ્લો થઈ રહી છે.તેમજ ઠેરઠેર ઉકરડાના ગંજ ખડકાયા છે.લાઈટો બધ હોવાથી ધણી જગ્યાએ અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ છે.અને પીવાના પાણીની પણ ગંભીર સમસ્યાઓ સર્જાય છે.એકંદરે ચીફ ઓફિસરની ગેરહાજરીથી વિવિધ સમસ્યાઓ વકરી રહી છે અને શહેરમાં ગંભીર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વ્યક્ત કરી છે. વધુમાં જણાવ્યું હતું કે, આ ચીફ ઓફિસર સતત ગેરહાજર રહેવાની સાથે એકાએક કરાર આધારિત તમામ કર્મચારીઓને છુટા કરી દીધા છે અને તેની જગ્યાએ નવા કરાર કે હંગામી કોન્ટ્રાક્ટરોને રાખી દઈને આ પ્રશ્નો નિરાકરણ ન લાવતા સમસ્યાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે.તેથી કલેકટર અને ઉચ્ચકક્ષાએ રજુઆત કરી મોરબી પાલિકામાં ચીફ ઓફિસર હાજર રહી પ્રજાના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવે તેવી માંગ કરી છે. જોકે પાલિકા પ્રમુખ અને ચેરમેનોની આ રજુઆત બાદ ઉચ્ચકક્ષાએથી યોગ્ય કાર્યવાહી થાય છે કે કેમ તે જોવાનું રહ્યું.