મોરબી : તાજેતરમાં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડો કર્યો હતો. આ ઘટાડાને પગલે મંદીમાં સપડાયેલા ઉદ્યોગ જગતને બુસ્ટર ડોઝ મળ્યો છે. આ પગલાંથી તમામ ક્ષેત્રોમાં નવો સંચાર થયો છે. ત્યારે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ કોર્પોરેટ ટેક્ષમાં કરાયેલા ઘટાડાના પગલાને આવકારવામાં આવ્યું છે. મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વડાપ્રધાન મોદીને, આ સરાહનીય પગલું ભરવા બદલ આભાર વ્યક્ત કરતો પત્ર પાઠવવામાં આવ્યો છે. ટેક્ષ ઘટાડવા બદલ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા જણાવાયું છે કે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ આ પગલાંને આવકારે છે. આ પગલાંને કારણે ભારતીય બજારમાં નવા રોકાણકારો આવશે. નવી નોકરીઓનું સર્જન થશે. ખાસ કરીને મોરબીના સિરામિક, સેનેટરિવેર, પેપર મિલ, ટ્રાન્સપોર્ટ અને ઘડિયાર ઉધોગને વિશેષ ફાયદારૂપ નીવડશે. કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડો કરવાથી 2025 સુધીમાં 5 ટ્રીલિયન ડોલર સુધી અર્થ વ્યવસ્થાનો ગ્રોથ થશે. સરકારની મેક ઇન ઇન્ડિયાની પહેલને મોરબી શહેરમાં ઉભરતા સીરામીક ઉદ્યોગોમાં રોકાણની તકો અને રોજગાર નિર્માણને પ્રોત્સાહન આપવાની જરૂરિયાતો માટે આ લાભદાયી પગલું સાબિત થશે. 2025 સુધીમાં સિરામિક ઉદ્યોગનું ટર્નઓવર 80 હજાર કરોડ સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા મોરબી ચેમ્બર ઓફ કોમર્સે વ્યક્ત કરી છે.