કુણાલ ચૌધરી અને કુલદીપસિંહ નામના શખ્સોએ ઇન્ડિયા માર્ટ વેબસાઈટ મારફતે વોશબેસિન મંગાવી કરી છેતરપિંડી મોરબી : મોરબીના લાલપર નજીક તિરુપતિ ચેમ્બરમાં આવેલ સીરામીક ટ્રેડિંગ કંપનીના ભાગીદાર સાથે ઇન્ડિયા માર્ટ વેબસાઈટ મારફતે સંપર્ક કરી બે શખ્સોએ ઇન્ડિયન આર્મી માટે 400 નંગ વોશબેસિન ખરીદવા ઓર્ડર આપી માલ મંગાવી લઈ બાદમાં પેમેન્ટ માટે રૂપિયા જમા કરાવવા પડશે કહી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂ.12,42,184 જમા કરાવડાવી માતબર રકમ પરત નહીં કરી ઇન્ડિયન આર્મીના નામે ઠગાઈ કરતા બનાવ અંગે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લાલપર નજીક તિરુપતિ ચેમ્બરમાં હર્ષવી ઇમ્પેક્ષ નામની સીરામીક ટ્રેડિંગની પેઢી ધરાવતા હર્ષ પ્રફુલભાઇ બરાસરા રહે. લખધીરનગર (નવાગામ) વાળાએ સાયબર ક્રાઇમ પોલીસમાં આરોપી કુણાલ ચૌધરી અને કુલદીપસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.2ના રોજ આરોપીઓએ ઇન્ડિયા માર્ટ વેબસાઈટમાંથી ફરિયાદીના મોબાઈલ નંબર મેળવી અલગ અલગ બે સાઈઝની 400 વોશબેસિન ઇન્ડિયન આર્મી માટે ખરીદ કરવા ઓર્ડર આપતા ઓર્ડર મુજબનો માલ ફરિયાદીએ આરોપીના નામે મોકલી આપ્યો હતો.બાદમાં આરોપીઓએ જણાવ્યું હતું કે, ઇન્ડિયન રમી કેન્ટમાં માલ સપ્લાય માટે તમારે પહેલા માલના પૈસા બેંકમાં જમા કરાવવા પડશે અને બાદમાં તમને આ નાણાં પરત મળશે તેવું કહી કેનેરા બેન્ક, બંધન બેન્ક અને બેન્ક ઓફ મહારાષ્ટ્રના અલગ અલગ ખાતામાં કટકે કટકે રૂ.12,42,184 મેળવી લઈ ઠગાઈ કરી હતી.સાથે જ આ મામલે ઇન્ડિયન આર્મી કેન્ટમાં તપાસ કરતા તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતા હર્ષ બરાસરાએ બન્ને આરોપીઓ તેમજ ચાર બેન્ક એકાઉન્ટ ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.