છેલ્લા પાંચ વર્ષથી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સરકારમાં સતત રજુઆત છતાં પરિણામ શૂન્યસરકાર મચ્છુ - 3 યોજનામાંથી પાણી આપે તો સિરામિક કલસ્ટરનો પ્રશ્ન કાયમી ઉકેલાયમોરબી : વર્ષે દહાડે કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતો વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલમાં ગેસના વધતા ભાવ, ઠપ્પ એક્સપોર્ટ અને સ્થાનિક માર્કેટમાં મંદીની સ્થિતિમાં ચોતરફથી ભીંસમાં મુકાયો છે ત્યારે ઓણસાલ અપૂરતા વરસાદને કારણે ઇન્ડસ્ટ્રીઝમાં પીવા અને વાપરવાના પાણી માટે અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, સરકારના કમાઉ દીકરા જેવા સિરામિક ઉદ્યોગ દ્વારા છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમયથી સતત પાણી માટે નક્કર આયોજન કરવા માંગ કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી નક્કર ઉકેલ ન આવતા સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હાલમાં મહિને પાણી પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવા મજબૂર બની છે.સિરામિક ક્લસ્ટર મોરબીમાં વોલ, ફ્લોર, વિટરીફાઇડ, જીવીટી, પીજીવીટી અને સેનેટરીવેર મળી 700થી વધુ સિરામિક એકમો આવેલા છે જેમાં દરેક કારખાનામાં 50થી લઈ 200 કે તેથી પણ વધુ શ્રમિકો રોજગારી મેળવી રહ્યા હોય 2 લાખથી વધુ પરપ્રાંતીય શ્રમિકોનો વસવાટ છે તે જોતા ઇન્ડસ્ટ્રીઝને દૈનિક કરોડો લીટર પાણી પીવા અને ઇન્ડસ્ટ્રીયલ વપરાશ માટે જરૂરત પડે છે. બીજતરફ મોરબી જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ખૂબ જ ઊંડા હોય ઉંચા ટીડીએસ ધરાવતા પાણી પીવા કે, ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં આવતા ન હોવાથી સિરામિક એકમોને ફરજિયાત પણે ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટેના પાણી તેમજ શ્રમિકો માટે બહારથી પાણી વેચાતું લેવું પડી રહ્યું છે.નોંધનીય છે કે, મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ વર્ષે દહાડે કેન્દ્ર અને રાજ્ય સરકારને અઢળક કમાણી કરાવી આપે છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઇન્કમટેક્સ, જીએસટી, સીજીએસટી, આઈજીએસટી ઉપરાંત વીજ વપરાશ બદલ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વીજબિલ ભરી રહ્યું છે. મહત્વનું છે કે, મોરબી જિલ્લામાં પીપળી,જેતપર રોડ, ઉંચી - નીચી માંડલ, ઘુંટુ રોડ, લખધીરપુર રોડ, રફાળેશ્વર રોડ, લાલપર, સરતાનપર રોડ, ઢુંવા - માટેલ રોડ, ગાળા, ટીંબડી સહિતના કલસ્ટરમાં સિરામિક એકમો ગ્રામ પંચાયતોને લાખો રૂપિયા વેરા પેટે ચૂકવે છે છતાં પણ ઇન્ડસ્ટ્રીયલ વપરાશ માટે તો ઠીક પરંતુ ઇન્ડસ્ટ્રીઝમાં રહેતા શ્રમિકો માટે પણ પીવાનું પાણી મળી શકે તેવું કોઈ નક્કર આયોજન સ્થાનિક પંચાયત કે મોરબીની નેતાગીરી સીરામીક ઇન્ડસ્ટ્રીઝના હિતમાં કરી શકી નથીઉંચા ટીડીએસને કારણે સિરામિક ટાઇલ્સ ઉત્પાદન માટે કેમિકલનો વપરાશમોરબી સિરામિક ક્લસ્ટરમાં ઉત્પાદિત ટાઇલ્સ દેશના સીમાડા ઓળંગી વિદેશમાં ધૂમ મચાવી રહી છે ત્યારે ટાઇલ્સના ક્વોલિટી જાળવણી માટે પાણી મહત્વનું પરિબળ છે. જો કે, મોરબી પંથકમાં ઉદ્યોગકારોને ભૂગર્ભ જળ માફક નથી આવતુ.મોટા ભાગના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં 2000થી 2500 ટીડીએસ ધરાવતું પાણી આવતું હોવાથી આ પાણી પીવા, વાપરવા કે ઇન્ડસ્ટ્રીયલ વપરાશમાં લઈ શકાતું ન હોય ટાઇલ્સની ક્વોલિટી જાળવવા માટે ઉદ્યોગકારોને વેચાતું પાણી લેવાની સાથે મોંઘા કેમિકલનો પણ ઉપયોગ કરવો પડતો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.મચ્છુ - 3 ડેમનું પાણી પીવા માટે યોગ્ય નથી પણ ઇન્ડસ્ટ્રીઝ માટે ઉપયોગીમોરબીના અગ્રણી ઉદ્યોગપતિ મણિલાલ પટેલ સિરામિક ઇન્ડસ્ટ્રીઝની પાણીની જરૂરત અંગે કહે છે કે, છેલ્લા પાંચ વર્ષમાં અનેક વખત પાણીની રજુઆત કરી ચુક્યા છીએ, ડ્રા વખતે રજુઆત સમયે સરકારમાંથી ઇન્ડસ્ટ્રીઝ માટે કેટલું અને શ્રમિકો માટે કેટલું પાણી જોઈએ છે તેની ડિમાન્ડ પૂછવા સિવાય કોઈ જ પગલાં લેવાયા નથી, અગાઉ પાણી પુરવઠા વિભાગ દ્વારા કેટલાક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સર્વે પણ કરાયો હતો પરંતુ આજદિન સુધી સરકાર દ્વારા સિરામિક ઇન્ડસ્ટ્રીઝના હિતમાં સરળતાથી પાણી મળી શકે તેવો કોઇ વ્યવહારુ ઉકેલ નથી આપવામાં આવ્યો.મણિલાલ પટેલે ઉમેર્યું હતું કે, હાલમાં મચ્છુ -3 ડેમનું પાણી પીવા લાયક નથી રહ્યું, જેથી આ પાણી મોરબીના પીપળી, જેતપર રોડને સરકારના વર્તમાન નીતિ નિયમો મુજબ મીટર મૂકીને આપવામાં આવે તો બારે માસ વેડફાઈ રહેલ પાણીના સરકારને નાણાં ઉભા થશે અને ઇન્ડસ્ટ્રીઝનો પાણી પ્રશ્ન કાયમી ઉકેલાય શકે તેમ હોવાનું જણાવ્યું હતું.સરકાર એસઇઝેડ જેવી સુવિધા આપે તો પાણી પ્રશ્ન કાયમી ઉકેલાયહાલમાં ગુજરાત સરકાર દ્વારા જીઆઇડીસી, સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન વિકસાવી ગુજરાતમાં નવા નવા ઔદ્યોગિક રોકાણ ખેંચી લાવવા ઉત્સુક છે પરંતુ વર્ષોથી સરકારને અઢળક કમાણી કરાવી આપતા સિરામિક ઉદ્યોગ પ્રત્યે ઉદાસીનતા દાખવી રહી છે.અન્ય એસઇઝેડની જેમ જો મોરબીને પાણીની જરૂરત પણ પૂર્ણ કરવામાં આવે અને મોટા ઉદ્યોગોને જે રીતે સરકાર રાહતભાવે પાણી આપી રહી છે તે મુજબ સિરામિક ઇન્ડસ્ટ્રીઝનો પાણી પ્રશ્ન ઉકેલવામાં આવે તો ઉચ્ચતમ ક્વોલિટીને કારણે સિરામિક ઉદ્યોગ હજુ પણ નિકાસમાં મોટી સિદ્ધિ હાંસલ કરી શકે તેમ હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.સિરામિક ઇન્ડસ્ટ્રીઝ મીટર મુજબ પાણીનું બિલ ચૂકવવા તૈયારમોરબી સિરામિક કલસ્ટરમાં દૈનિક કરોડો લીટર પાણીની જરૂરત સામે સ્થાનિક જળ સ્ત્રોતમાંથી પાણી ઉપલબ્ધ ન હોવાથી ફરજીયાત પણે એક - એક ઇન્ડસ્ટ્રીઝ મહિને લાખો રૂપિયા પાણી પાછળ ખર્ચ કરી રહી છે.આ સંજોગોમાં સરકાર મોરબી જિલ્લામાં હયાત કેનાલ તેમજ અન્ય પાઇપલાઇન નેટવર્ક મારફતે ઉદ્યોગને પાણી પૂરું પાડે તો ઉદ્યોગકારો મીટર મુજબ બિલ ચૂકવવા પણ તૈયાર હોવાનું સરકારમાં કરેલી રજુઆતમાં જણાવાયું છે.