આકરા જીએસટી ટેક્સથી મોરબીના ૩૦ થી ૪૦ ટકા કારખાના બંધ થઈ ગયા મોરબી : જીએસટી કાઉન્સિલ સમક્ષ અનેકાનેક રજુઆત છતાં સિરામિક પ્રોડક્ટ ઉપરનો ૨૮% તોતિંગ ટેક્સ ઘટાડવામાં ન આવતા મોરબીના ૩૦ થી ૪૦% સિરામિક એકમો બંધ થઈ જતા ગઈકાલે તાત્કાલિક જીએસટી ઘટાડવાની માંગ સાથે ગૌરવ યાત્રામાં મોરબી આવેલા ભાજપ પ્રદેશ પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યુ હતું. ગઈકાલે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ કે.જી.કુંડારીયા, સેનટરી એસોસિએશનના કિરીટભાઈ પટેલ અને ફ્લોર ટાઇલ્સ એસોસિએશનના પ્રફુલભાઈ દેત્રોજા સહિતના આગેવાનોએ ગૌરવયાત્રામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘણીને આવેદનપત્ર પાઠવી જીએસટી ઘટાડાની માંગ કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જીએસટીને કારણે છેલ્લા ત્રણ માસથી સીરામીક એકમોની હાલત કફોળી બની છે. અંદાજે ૩૦થી૪૦% એકમો બંધ થયા છે અને દિવાળી સમયે જ કારમી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વધુમાં એસોસિએશનએ ઉમેર્યું હતું કે ૧૦ લાખ લોકોને રોજગારી પુરી પાડતા સીરામીક ઉદ્યોગ દ્વારા જીએસટી ઘટાડવાની માંગ સાથે અનેકવિધ રજુઆત કરી છે પરંતુ સરકાર દ્વારા કોઈ રાહત આપવમાં આવી નથી. આ સંજોગોમા ગુજરાત ગૌરવ યાત્રામાં આવેલા ભાજપના આગેવાનો સમક્ષ તાત્કાલિક જીએસટી ઘટાડવાની માંગ સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને આવેદનપત્ર પાઠવ્યુ હતું.