મોરબી: મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા અને હરેશભાઈ બોપાલિયાએ આજે ગુજરાત સરકારમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સંભાળવા બદલ કાંતિભાઈ અમૃતિયાની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમજ સમગ્ર સિરામિક ઉદ્યોગ વતી એસોસિએશનના હોદ્દેદારોએ મંત્રીને શુભકામનાઓ પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન, શ્રમ અને રોજગાર મંત્રાલયને લગતા સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોની ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સિરામિક ઉદ્યોગના પ્રતિનિધિઓને ખાતરી આપી હતી કે સિરામિક ઉદ્યોગને લગતા કોઈ પણ પ્રશ્નો આવે તો તેઓ તત્કાળ તેમનો સંપર્ક કરે. મંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહીને સકારાત્મક પરિણામ લાવવા માટે કાર્ય કરશે. આ હકારાત્મક પ્રતિભાવ બદલ મોરબી સિરામિક ઉદ્યોગ વતી મંત્રીને શુભેચ્છાઓ સાથે નૂતન વર્ષાભિનંદન પાઠવવામાં આવ્યા હતા.