તંત્રએ મજૂરો માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન કરતા સોશ્યલ ડિસ્ટન્સ સહિતની ભારે અવ્યવસ્થા સર્જાઈ મોરબી : મોરબીમાં સીરામીક સિવાઇના અન્ય ઉધોગો કે છૂટક મજૂરી કરતા પરપ્રાંતિયોને વતન પહોંચાડવા માટે તંત્ર દ્વારા સીરામીક એસોસિએશનની ઓફિસે આવા મજૂરોના રેજીસ્ટ્રેશન કરવાની વ્યવસ્થા ગોઠવી છે. પરંતુ તંત્ર દ્વારા સીરામીક એસો.ની ઓફિસે કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન કરતા આજે રજિસ્ટ્રેશન માટે ત્યાં શ્રમિકોની મોટી ભીડ ઉમટી પડી હતી. જેથી સોશ્યલ ડિસ્ટન્સ સહિતની ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. મોરબી સીરામીક ઉધોગોના પરપ્રાંતિયોને વતન પહોંચાડવા માટે તંત્ર અને સીરામીક એસો.ના સંકલનથી ટ્રેનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં હજારો શ્રમિકોને ટ્રેન મારફત તેમના વતન પહોંચાડવામાં આવ્યા હતા. જોકે મોરબીમાં સીરામીક સિવાયના અન્ય ઉધોગ અને છૂટક મજૂરી કરતા હોય એવા પણ હજારોની સંખ્યામાં પરપ્રાંતિયો છે. આથી આવા શ્રમિકોને પણ વતન પહોંચાડવા માટે મોરબીના જિલ્લા કલેકટર દ્વારા મોરબી સીરામીક એસોસિએશનની ઓફિસે સીરામીક સિવાયના મજૂરોની રજિસ્ટ્રેશન કરાવાનું રેહશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ માત્ર જાહેરાત અને વાતો જ કરવા પૂરતું જ કલેકટર તંત્ર કામ કરતું હોય તેમ સીરામીક એસો.ની ઑફિસે મજૂરો માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. જેથી મોટી સંખ્યામાં શ્રમિકો સીરામીક એસો.ની ઓફિસે ઉમટી પડ્યા છે. અને સોશ્યલ ડિસ્ટન્સનો મોટો અભાવ જોવા મળ્યો છે. તંત્ર દ્વારા કોઈ પણ આયોજન વગર કોઈ પણ વ્યવસ્થા કર્યા વગર અહીં એક જ જગ્યાએ આ કામગીરી શરૂ કરતાં અને ઉપરથી વ્યવસ્થા પણ ન કરતા આજે સીરામીક એસો.ની ઓફિસે મજૂરોની મોટી ભીડથી ભારે અવ્યવસ્થા સર્જાઈ છે. મજૂરોને ટોળે ટોળા ઉમટી પડ્યા છે. સોશ્યલ ડિસ્ટન્સની ધજીયા ઊડતી હોય તેવા દ્રશ્યો તંત્રના અણધણ આયોજનના કારણે સર્જાયા છે. ત્યારે અન્ય જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સનું કડકાઇથી પાલન કરવાતું તંત્ર હવે પોતાના પર જ કાર્યવાહી કરશે ? હાલ તો તંત્ર તાકીદે યોગ્ય વ્યવસ્થા ગોઠવે એવી માંગ ઉઠી છે.