બેઠકમાં એન્ટી ડમ્પીંગ ડ્યુટી ઘટાડવા અંગે કોઈ સચોટ નિર્ણય ન લેવાયો, આગામી દિવસોમાં રાહત આપતો નિર્ણય લેવાઈ તેવી આશા વ્યક્ત કરતા હોદ્દેદારો ચીનના સિરામિક ઉત્પાદન ઉપર 20 ટકા ડ્યુટી જ્યારે ભારતના ઉત્પાદન ઉપર 40 ટકાથી વધુ ડ્યુટી લાદવાની હિલચાલ અટકાવવા મોરબી સિરામિક એસો.ના પ્રયાસો મોરબી : મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ કેન્દ્રના ડેલીગેશન સાથે સાઉદી અરેબિયામાં ત્યાંની સરકાર સાથે એન્ટીડમ્પીંગ મુદ્દે બેઠક યોજી હતી. જો કે આ બેઠકમાં એન્ટીડમ્પીંગ ડ્યુટી ઘટાડવા અંગે કોઈ સચોટ નિર્ણય લેવાયો ન હતો. પરંતુ હાલ સિરામિક એસો.ના હોદ્દેદારો એવી આશા રાખી રહયા છે કે આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ આવશે. મોરબીના સિરામિક ઉદ્યોગો માટે સાઉદી અરેબિયા ખૂબ મોટું માર્કેટ છે. ત્યારે ત્યાંની સરકાર દ્વારા ભારતની સીરામીક પ્રોડક્ટ ઉપર 40 ટકાથી પણ વધુ એન્ટીડમ્પીંગ ડ્યુટી લગાડવાની હિલચાલ શરૂ કરી છે. જ્યારે ચીનના સીરામીક ઉત્પાદન ઉપર માત્ર 20 ટકા જ ડ્યુટી લાગી છે. જો ભારતની પ્રોડક્ટ ઉપર એન્ટીડમ્પીંગ ડ્યુટી લગાવવાની આ હિલચાલ સફળ રહેશે તો મોરબીના સીરામીક ઉદ્યોગો માટે સાઉદી અરેબિયામાં નિકાસ કરવાના દ્વાર સંપૂર્ણ પણે બંધ થઈ જશે. હાલ મોરબી સીરામીક એસોસિએશન સાઉદી અરેબિયામાં ભારતની સીરામીક પ્રોડક્ટ ઉપર એન્ટીડમ્પીંગ ડ્યુટી ન લાગે તે માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. જે સંદર્ભે ગઈકાલે સાઉદી ખાતે જીસીસીના એન્ટીડમ્પીંગના ઉચ્ચઅધિકારીઓ સાથે મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં ભારતીય એમ્બેસીના અધિકારીઓ, વાણીજ્ય મંત્રાલયના અધિકારીઓ વકીલ ગુપ્તાજી, તેમનો સ્ટાફ, મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા તથા મનીષભાઈ સવસાણી હાજર રહેલ હતા. આશરે ચારેક કલાક ચાલેલી આ મીટીંગમાં કેન્દ્ર સરકારના અધિકારી અને વકીલે ભારતના સીરામીક ઉદ્યોગોની તરફેણમાં ભારપૂર્વક રજૂઆત કરી હતી પણ જીસીસી તરફથી કોઈ સચોટ અને સકારાત્મક જવાબ મળેલ નથી. આ અંગે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજાએ જણાવ્યું હતું કે ભારતની સીરામીક પ્રોડક્ટ ઉપર જો એન્ટીડમ્પીંગ ડ્યુટી લાગશે તો ચીન સાઉદી અરેબિયાનું માર્કેટ સંપૂર્ણ પણે કવર કરી લેશે. બેઠકમાં એન્ટીડમ્પીંગ ડ્યુટી ઘટાડવાની સાઉદી અરેબિયાને રજુઆત કરવામાં આવી છે. પણ બેઠકમાં તેમના દ્વારા કોઈ સચોટ નિર્ણય લેવામાં આવ્યો નથી. ડેલિગેસનના અનુભવોના આધારે આ બાબતે સકારાત્મક પરિણામ આવે તેવી આશા છે.