કામના કુલ ખર્ચના 80 ટકા સરકાર ભોગવશે અને 20 ટકા મોરબી ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ એસો. ચૂકવશે : સિરામિક એસો.ના હોદેદારોએ ઉદ્યોગ કમિશનર સમક્ષ રૂબરૂ જઈને વિકાસકામોને કરાવ્યા મંજુર મોરબી : મોરબી સિરામિક એસોસિએશનની મહેનત રંગ લાવી છે. એસોસિએશનના હોદ્દેદારોએ રાજ્યના ઉદ્યોગ કમિશનર પાસે રૂબરૂ જઈને રૂ. 14.92 કરોડના રોડના 4 કામોને મંજુર કરાવ્યા છે. જેમાં આ કામનો 80 ટકા ખર્ચ સરકાર ભોગવવાની છે. જ્યારે બાકીનો 20 ટકા ખર્ચ મોરબી ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એસોસિએશન ચૂકવવાનું છે. મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખો મુકેશભાઈ, કિશોરભાઈ, કિરીટભાઈ અને વડીલ વેલજીભાઇ ઉધરેજાએ રાજ્યના ઉધોગ કમિશનર રાહુલ ગુપ્તાને મળીને લાંબા સમયથી પડતર રહેલી માંગણી વાળા ચાર રોડને મંજૂરી અપાવી છે. વધુમાં ઉદ્યોગ કમિશનરે હજુ અન્ય રોડ બનાવવાના હોય તો તેને પણ 80/20 ની સ્કીમ હેઠળ પ્રપોઝલ મુકવાનું જણાવી હકારાત્મક પ્રતિભાવ આપેલ છે. મંજુર થયેલા 4 રોડ કુલ 14.92 કરોડના ખર્ચે બનનાર છે. જેમાં 80 ટકા લેખે 11.94 કરોડ સરકાર ભોગવવાની છે. જ્યારે બાકીના 20 ટકા લેખે રૂ. 2.98 કરોડ મોરબી ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એસોસિએશન ચૂકવવાનું છે. સ્ટેટ હાઇવે 321થી કોરિઅલ સિરામિક પ્રા.લી સુધીનો આરસીસી રોડ રૂ. 1.83 કરોડ, બેલા- ભરતનગર રોડથી એડમીન વીટ્રિફાઇડ પ્રા.લી. સુધીનો રોડ રૂ. 2.47 કરોડ, સ્ટેટ હાઇવે 321થી બેનટા સિરામિક પ્રા.લી. સુધીનો રોડ રૂ. 94.11 લાખ અને નેશનલ હાઇવે-8થી કેવિટા ગ્રેનિટો પ્રા.લી. ચોકડી સુધીનો રોડ રૂ. 9.67 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર છે.