મોરબી : પતંજલી યોગ, આરોગ્ય ભારતી, વૈદિક યજ્ઞ, સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ જાળવણી જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા મોરબીના યુવા ધારાશાસ્ત્રી સંજયભાઈ રાજપરાની પુત્રી ચેલ્સીના જન્મદિવસે કેક કાપીને અંધારું કરીને નહીં પરંતુ વૈદિક યજ્ઞ કરીને જન્મદિનની ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઉજવણી કરી હતી. આ જન્મદિનની ઉજવણીમાં ઉપસ્થિત તમામ નવદંપતીઓ તેમજ મહેમાનોને યજ્ઞમાં આહુતી અપાવી અને વૃક્ષનું મહત્વ સમજાવી જન્મદિવસની કાયમી યાદગીરી રહે તે હેતુથી ફૂલ-ઝાડના રોપા આપી વધુને વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો અને પર્યાવરણ જાળવણી માટે ખતરનાક એવા પ્લાસ્ટિક વપરાશને જાકારો આપી સ્ટીલના વાસણોમાં જ ચા, પાણી, છાશ ભોજન કરાવવામાં આવ્યું હતું.આ તકે વકીલશ્રી સંજયભાઈએ વેદના સાથે જણાવ્યૂ હતું કે, જેનાથી પર્યાવરણને ભયંકર નુકસાન થઈ રહ્યું છે, તે પ્લાસ્ટિક માત્ર ગુજરાતમાં જ દરરોજ કેટલું વપરાતુ હશે અને કચરા માં ફેંકાતુ હશે કે જેની કલ્પના કરવાથી પણ કંપારી છૂટી જાય તેમ છે અને વધુમાં જણાવેલ છે કે આવી પ્રકૃતિ નષ્ટની ચેષ્ટા ક્યાં જઈને અટકશે. જો આમ જ ચાલ્યું તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. અને પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ અને તેના કડક કાનુન બને અને તેનો ગંભીરતાપૂર્વક અમલ સરકાર તરફથી કરવામાં આવે તે આજના સમયની માંગ અને આવનારા સમયની જરૂરિયાત છે. જો આમ નહીં થાય તો આવનારા સમયમાં જીવવું મુશ્કેલ બની જશે તેવી તેમણે ચિતા વ્યક્ત કરી હતી.