હેલ્થની સાથે ઈકોનોમિકલી પણ ફાયદાકારક છે ઓર્ગેનિક ફાર્મિંગ : ગોવિંદ વરમોરા ઓર્ગેનિક ખેતીથી શાકભાજી વાવી તેમણે સગા-સંબંધીઓને લ્હાણી કરી જંકફૂડ-ફાસ્ટફૂડને બદલે ઓર્ગેનિક ફૂડ તરફ વળવા યુવાધનને ઉદ્યોગપતિની અપીલ મોરબી : મોરબીના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરાએ પોતાની વાડીમાં ઓર્ગેનિક ખેતીથી વિધવિધ શાકભાજી વાવી તેની સગા-સંબંધીઓને લ્હાણી કરી છે. અને આ રીતે ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળવાની અનેરી પહેલ કરી છે. તેમજ જંકફૂડ-ફાસ્ટફૂડને બદલે ઓર્ગેનિક ફૂડ તરફ વળવા યુવાધનને અપીલ કરેલ છે. ગુજરાતનો ખેડૂત હવે આધુનિક બન્યો છે. વર્તમાનમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છે. રાસાયણિક ખેતી કરતાં વધુ ઉત્પાદનની સાથે વધુ ભાવ પણ મેળવી રહ્યાં છે. સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં કોઈપણ પ્રકારના રસાયણિક ખાતરો તેમજ રસાયણિક ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાકના પોષણ માટે છાણીયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. ત્યારે મોરબીના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરાએ પ્રાકૃતિક ખેતીથી લીલાછમ શાકભાજીનું વાવેતર કરી પ્રેરણાદાયી પગલું ભર્યું છે. મોરબીના સન હાર્ટ ગ્રુપના ફાઉન્ડર ગોવિંદભાઈ વરમોરાએ અમદાવાદ ખાતે આવેલ પોતાની વાડીમાં આ વર્ષે પ્રથમ વખત ઓર્ગેનિક ખેતીથી વાવેતર કર્યું છે. જેમાં ઘીસોડાં, દૂધી, ગુવાર, ભીંડો, ગલકા, રીંગણાં, કારેલા, કાકડી, વાલોર સહિતના શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમણે ઓર્ગેનિક ખેતીથી વાવેલા શાકભાજી સગા-સંબંધીઓ, મિત્રોને આપતા તેઓ તરફથી ખુબ સારો પ્રતિભાવ સાંપડ્યો છે. કારણ કે પ્રાકૃતિક ખેતીથી ઉગાડેલા શાકભાજી માત્ર સ્વાદિષ્ટ નહીં, પોષણયુકત પણ હોય છે. ઉલ્લેખનીય છે કે ઓર્ગેનિક ખેતી માટે ગોવિંદભાઇના ધર્મપત્ની વસંતાબહેન સહિતના પરિવારજનો સહયોગ આપી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદન ઓછું મળે, તે માનસિકતા બદલવાની જરૂર : ગોવિંદભાઈ પટેલ ગોવિંદભાઈ પટેલ જણાવે છે કે ઓર્ગેનિક ખેતી શરુ કર્યા બાદ ખ્યાલ આવ્યો કે ખરેખર ઓર્ગેનિક આહાર આરોગ્ય સુખાકારી માટે લાભકારી છે. એલોપેથી દવાથી દૂર રહેવા માટે પ્રાકૃતિક ખાદ્ય પદાર્થો ઉપયોગમાં લેવા, તે આજના સમયની તાતી જરૂરિયાત છે. આથી, ખાસ કરીને યુવાનોએ જંકફૂડ કે ફાસ્ટફૂડના બદલે ઓર્ગેનિક ફૂડ તરફ વળવું જોઈએ. જેના માટે ખેડૂતોએ રાસાયણિક ખેતીના બદલે પ્રાકૃતિક ખેતીની પધ્ધતિ અપનાવવી આવશયક છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદન ઓછું આવે છે, તે માનસિકતા બદલવાની જરૂર છે. મારે 3 વિઘા જમીનમાં માર્કેટ રેટ પ્રમાણે 7થી 7.5 લાખનું ઉત્પાદન મળ્યું છે. એટલે આર્થિક રીતે પણ સજીવ ખેતી સફળ રહી છે. ઘણી વખત રાસાયણિક ખેતીમાં પણ આટલું ઉત્પાદન મળતું નથી હોતું. તેમજ જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરને સાચવવાના ખર્ચ સામે પ્રાકૃતિક ખેતીમાં 30%થી વધુ ખર્ચ નથી થતો. આમ, આવક અને તંદુરસ્તીની દ્રષ્ટિએ પ્રાકૃતિક ખેતી લાભકારી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..