મોરબી: તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી - મોરબી દ્વારા સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ સાયન્સ સીટીના નિ:શુલ્ક પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા લેવાતી CET (Common Entrance Test) ની પરીક્ષામાં ઉતીર્ણ થઈ મેરિટમાં સ્થાન મેળવનાર ધોરણ-5 ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી આ પ્રવાસ યોજાયો હતો.વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવાનો પ્રયાસવિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ જાગે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે અને પુસ્તકિયા જ્ઞાનને બદલે વિજ્ઞાનના સિદ્ધાંતોને પ્રાયોગિક રીતે સમજી શકાય તેવા ઉમદા હેતુ સાથે આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.સુવ્યવસ્થિત આયોજન અને સુવિધાઓતાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ નોડલ અધિકારી, સહ-નોડલ અધિકારી, રૂટ સુપરવાઈઝર અને મદદનીશ સુપરવાઈઝરની ખાસ ટીમ બનાવવામાં આવી હતી. કુલ 6 એસટી બસો દ્વારા વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા હતા. તેમજ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓને સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને સાંજનું શુદ્ધ ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું.સફળ પ્રવાસ બદલ અભિનંદનવિદ્યાર્થીઓએ સાયન્સ સીટીમાં વિવિધ ગેલેરીઓ નિહાળી અચરજ સાથે નવું જ્ઞાન મેળવ્યું હતું. સમગ્ર પ્રવાસ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થવા બદલ અને વિદ્યાર્થીઓને યાદગાર સંભારણું આપવા બદલ ટીમના તમામ સભ્યોને ઉચ્ચ અધિકારીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.