મોરબી: સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના અગ્રણી નેતાઓને પત્ર લખીને ગુજરાત સરકાર અને સંગઠનમાં બ્રહ્મ સમાજને થઈ રહેલા અન્યાય અંગે ધ્યાન દોરવામાં આવ્યું છે. આ પત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશ અધ્યક્ષો સહિતનાઓને સંબોધવામાં આવ્યો છે.બ્રહ્મ સમાજે પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની રચનામાં બ્રહ્મ સમાજના ધારાસભ્યોને પૂરતું સ્થાન આપવામાં આવ્યું નથી, જે અત્યંત દુઃખદ બાબત છે. આ ઉપરાંત, વર્ષ 2022માં ઉમેદવાર પસંદગી માટે બનાવવામાં આવેલી પાર્લામેન્ટરી કમિટીમાં પણ એક પણ બ્રાહ્મણ સભ્યને સ્થાન નહોતું મળ્યું.સમાજે આક્ષેપ કર્યો છે કે, બ્રહ્મ સમાજ ભાજપના સંગઠનનો પાયાનો પથ્થર હોવા છતાં, સરકાર અને સંગઠનમાં તેમની જાણીજોઈને અવગણના કરવામાં આવી રહી છે. સમાજની લાગણી છે કે તેમના વડીલોએ પાર્ટીને ઊભી કરવામાં યોગદાન આપ્યું હોવા છતાં, આજે તેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા અવગણવામાં આવી રહ્યા છે. પત્ર દ્વારા સમસ્ત બ્રહ્મસમાજ મોરબીએ ભારપૂર્વક અપીલ કરી છે કે તેમની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઈને આગામી સમયમાં સરકાર તેમજ સંગઠન દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે.