મોરબીના સામાંકાંઠે આવેલા માળીયા-વનાળિયા સોસાયટીમાં આવેલા ભંગારના ડેલાઓમાં જ્વલનશીલ કેમિકલ સહિતના સંગ્રાહેલા જોખમી જથ્થાથી આસપાસની સોસાયટીમાં લોકો માટે જોખમકારક : સ્થાનિક મોરબી : છેલ્લા દિવસોમાં ગુજરાત સહિત દેશોમાં વિવિધ ફેકટરીઓમાં આગ લાગવાના બનાવોમાં નિર્દોષ નાગરિકોની જિંદગીઓ હોમાઈ ચૂકી છે ત્યારે તંત્ર તરફથી હંમેશા થાબળભાણા કરવામાં આવતા હોવાનું સુવિદિત છે. જવાબદારો સામે પગલાં ભરવાના બદલે તપાસ કમિટીઓની રચના કરી મામલો થાળે પાડી દેવામાં આવે છે. મોરબી શહેરમાં પણ આવા જ બનાવનું પુનરાવર્તન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. મોરબીમાં પરશુરામ પોટરીની પાછળ અને નજરબાગની સામે આવેલી 40 વર્ષ જૂની માળીયા વનાળિયા સોસાયટીના રહેવાસીઓને અકસ્માતે આગ લાગવાનો ભય સતાવી રહ્યો છે. ઉક્ત સોસાયટીમાં ભંગારના ખાનગી ડેલાઓ આવેલા છે. આ ડેલાઓમાં કેમિકલ યુક્ત કચરો, ડામર યુક્ત મટીરીયલ સંગ્રહવામાં આવી રહ્યું છે. ઇલેક્ટ્રિક વાયરમાંથી ત્રાંબા-એલ્યુમિનિયમના તાર કાઢવા માટે એ જથ્થો સળગાવવામાં આવી રહ્યો છે. જેના કારણે આ રહેણાંક વિસ્તારમાં પ્રદુષણ પણ ફેલાઈ રહ્યું છે. તેમજ ન કરે નારાયણ અને કોઈ મટીરીયલમાં બ્લાસ્ટ થાય તો આજુબાજુની સોસાયટીઓમાં વસવાટ કરતા નિર્દોષ નાગરિકો માટે ભયજનક સ્થિતિ ઉભી થાય. આવી ભીતિને લઈને આસપાસ વસતા નાગરિકો કાયમ ભયના ઓથાર હેઠળ જીવવા માટે મજબૂર છે. આ અંગે મોરબી પાલિકા અને જિલ્લા કલેકટરને વારંવાર રજુઆત કરવા છતાં વગદાર ડેલા માલિકો સામે કોઈ પગલાં ભરવામાં આવતા ન હોવાના આક્ષેપ સાથે સોસાયટીમાં વસતા જવાબદાર નાગરિક કેશુભાઈ લાખાભાઈ ચાવડાએ જિલ્લા કલેકટરને વધુ એક અરજી કરી છે. ત્યારે હવે જોવું રહ્યું કે તંત્રવાહકો માળીયા વનાળિયા સોસાયટીમાં ચાલતી આ ભયજનક પ્રવૃત્તિ કેટલા સમયમાં અન્યત્ર ખસેડે છે.