હિન્દૂ સંગઠનો દ્વારા વિવિધ કરતબો રજૂ કરાયા : 18 સ્થળોએ મટકી ફોડના આયોજનો : હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકીના નાદ સાથે મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયામોરબી : મોરબી આજે જન્માષ્ટમીના પર્વે જાણે ગોકુળીયુ બન્યું હોય તેમ કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજે શહેરમાં હિન્દુ સંગઠનો દ્વારા જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આસ્થાભેર જોડાયા છે. મોરબી શહેરમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ સર્વે હિંદુ સંગઠનો દ્વારા જન્માષ્ટમીના દિવસે દિવ્ય અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા હિંદુ સંગઠનો દ્વારા જડેશ્વર મંદિરથી રામ મહેલ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ રહી છે. સાથે જ આ શોભાયાત્રા દરમિયાન શહેરમાં અલગ-અલગ 18થી વધુ સ્થળોએ મટકી ફોડનો કાર્યક્રમ યોજાયા છે. શ્રી કૃષ્ણ જન્મોત્સવની આ શોભાયાત્રાની શરૂઆત જડેશ્વર મંદિરથી થઇ હતી. ત્યાંથી સુપર ટોકિઝ, સીપીઆઈ ઓફિસ, નવાડેલા રોડ, રિદ્ધિસિદ્ધિ ફટાકડા, ખાખીની જગ્યા, જુના બસ સ્ટેશન, રામ ચોક, સીતા ચોક, ચકિયા હનુમાન, ભગતસિંહ ચોક, યદુનંદન ગેઈટ, નગર દરવાજા, ગ્રીન ચોક થઈ રામ મહેલ મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં હિંદુ સમાજના અલગ અલગ ફ્લોટ્સ પણ જોડાયા હતા. ધાર્મિક સંગઠનોના ફ્લોટ્સ પણ જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિવિધ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી હતી. વધુમાં હિન્દુ સંગઠનો દ્વારા અવનવા કરતબો રજૂ કરવામાં આવ્યા હતા.