અકસ્માત થયાના એક કલાકમાં ઘાયલને હોસ્પિટલ પહોંચાડનારને ઇનામ આપી સન્માનિત કરાશે: મદદ કરનારની પોલીસ પૂછપરછ નહીં કરાઈ મોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં નાગરિકોને માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને મદદ કરવા અને 'રાહવીર' બનવા અપીલ કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માત બાદના પ્રથમ એક કલાક એટલે કે 'ગોલ્ડન અવર' ઘાયલ વ્યક્તિનો જીવ બચાવવાનો છે.પોલીસ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિ માટે અકસ્માત થયા બાદની પ્રથમ એક કલાક ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ સમયગાળા દરમિયાન જો ઘાયલ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તેના બચવાની શક્યતાઓ અનેકગણી વધી જાય છે. તેથી મોરબી જિલ્લા પોલીસે એક ખાસ યોજના જાહેર કરી છે. જે કોઈ વ્યક્તિ અકસ્માતમાં ઘાયલ થયેલાને 'ગોલ્ડન અવર'માં હોસ્પિટલ પહોંચાડશે, તેને ₹25,000નો રોકડ પુરસ્કાર અને એક સન્માનપત્ર આપીને 'રાહવીર' તરીકે સન્માનિત કરવામાં આવશે.આ ઉપરાંત અકસ્માતમાં મદદ કરનાર વ્યક્તિની પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની પૂછપરછ કરવામાં આવશે નહીં, અને તેમને કાયદાકીય રક્ષણ પણ પૂરું પાડવામાં આવશે. 'રાહવીર' પુરસ્કાર મેળવવા માટે, અકસ્માત જે પોલીસ સ્ટેશનની હદમાં થયો હોય, તે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે.