ચારેય લૂંટારુઓના દસ દિવસના રિમાન્ડ પુરા થતા આ તમામને જેલહવાલે કરાયા મોરબી : મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં રૂ. 6.44 લાખની લૂંટમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાર લૂંટારુઓને ગ્રામજનોના સહકારથી ઝડપી લીધા બાદ 10 દિવસના રિમાન્ડ દરમિયાન વધુ એક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેમાં ચાર લૂંટારુઓએ હથિયારો ઉત્તરપ્રદેશમાંથી વેંચાતા લઈને બેંક લૂંટને અજામ આપ્યો હોવાનું ખુલ્યું હતું. જ્યારે આ ચારેય લૂંટારુઓના 10 દિવસના રિમાન્ડ પુરા થતા આ તમામને જેલહવાલે કરાયા છે. મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં ગત 20 ફેબ્રુઆરીના રોજ ભરબપોરે રિવોલ્વર સહિતના હથિયારો સાથે 6.44 લાખ રૂપિયાની દિલધડક લૂંટ ચલાવવામાં આવી હતી. પોલીસની ત્વરિત કામગીરીથી કારમા નાસેલા ચાર આરોપીઓને હથિયાર તેમજ મુદ્દામાલની રકમ સાથે ગ્રામજનોની સહાયથી પોલીસે ગણતરીના કલાકોમાં જ હળવદ રોડ પર નાકાબંધી કરીને પંજાબના ખૂંખાર અપરાધીઓ મનદીપસિંગ જાટ, બલવિન્દરસિંગ ઊર્ફે ગોલી, અરુણ કુમાર ઉર્જાફે છુરીમાર જાટ અને સંદીપસિંગ ઉર્ફે રવિ જાટને 6 બંદૂક અને 131 કાર્ટુસ સાથે પકડી લીધા હતા અને આ ચારેય આરોપીઓને 10 દિવસના રિમાન્ડ ઉપર લીધા હતા. આ બનાવમાં નાસી છુટેલો રાણો અને સોનુ પૈકી રાણો ટ્રક ડ્રાઈવર હોય વારંવાર મોરબી આવતો હતો. જેથી, મોરબીથી બહાર નીકળવાના તમામ નાના-મોટા રસ્તાઓથી તે વાકેફ હતો. મોરબી આવન-જાવનના કારણે હાઇવે રોડ પર બેંક આવેલી છે, જ્યાં લૂંટ થઈ શકે એમ છે એવુ નક્કી કરનાર પણ રણજીતસિંગ ઉર્ફે રાણો જ હતો. આથી, તેણે જ લૂંટનો આખો પ્લાન ઘડી કાઢી પંજાબના કુખ્યાત ગુનેહગારોની ટોળકી બનાવી સમગ્ર બનાવને અંજામ આપ્યો હતો. દરમિયાન આ લૂંટ કેસમાં વધુ એક માહિતી બહાર આવી હતી. જેમાં જે છ બંદૂક અને મોટી સંખ્યામાં કાર્ટુસ પોલીસે જપ્ત કર્યા હતા તે હથિયારો લૂંટના પ્લાન માટે આરોપીઓ ઉત્તરપ્રદેશના મર્ગલોરમાંથી વેચાતા લીધા હતા અને બેંક લૂંટના પ્લાનને અંજામ આપ્યો હતો. દરમિયાન આજે 10 દિવસના રિમાન્ડ પુરા થતા ફરી ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચારેયને જેલહવાલે કર્યા હતા.