શહેર - જિલ્લામાં ૭૦૦ પોલીસ ખડે પગે : જોખમ જણાયે એસટી બસને નજીકના પોલીસ મથકે થંભાવી દેવા સૂચના મોરબી : સુપ્રીમ કોર્ટ દ્વારા અત્યાચાર નિવારણ ધારો - 1989ને બિન અસરકારક કરતા ચુકાદાના વિરોધમાં આજે અપાયેલા ભરતબંધના એલાન સંદર્ભે મોરબી જિલ્લામાં જડબે સલાખ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોય શાંતિનો માહોલ જળવાયો છે. જયારે બંધના પગેલે દલિત આગેવાનો દ્વારા વીસી ફાટક અને નટરાજ ફાટક પાસે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જોકે પોલીસે કુનેહ પૂર્વક ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. આજે ભારત બંધના એલાનને પગલે મોરબી શહેર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે બંધના એલાનને પગલે મોરબી શહેર અને જિલ્લામાં ૭૦૦ પોલીસ જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા છે અને એકંદરે શાંતિ જળવાઈ છે. બીજી તરફ બંધ ને પગલે એસટી બસ નિશાન ન બને તે હેતુથી એસટી વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવાયા છે, મોરબી ડેપો મેનેજર કરમટાએ જણાવ્યું હતું કે તમામ ડ્રાઇવર કન્ડક્ટરોને જોખમી પરિસ્થિતિ જણાય તો મુસાફરોની સુરક્ષાને લઈ એસટી બસને નજીકના પોલીસ મથકે લઇ જવા સૂચના આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત એસટીના અધિકારીઓ અને પોલીસ સતત સંકલનમાં હોવાનું પણ સતાવાર સૂત્રોએ ઉમેર્યું હતું. જયારે બંધના પગેલે દલિત આગેવાનો દ્વારા વીસી ફાટક અને નટરાજ ફાટક પાસે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેમાં દલિત મહિલાઓ પણ જોડાઈ હતી અને સરકાર વિરુદ્ધ સુત્રોચાર અને ન્યાયની માંગ સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. વીસી ફાટક પાસે ચક્કાજામના પગલે ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો સ્થળ પર પોહચી કાર્યકરોને સમજાવી પોલીસે કુનેહ પૂર્વક ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. જયારે ચક્કાજામ બાદ દલિત આગેવાનો અને કાર્યકરો મોરબીની મુખ્ય બજારમાં ફરીને વેપારીઓને બંધમાં જોડાવાની અપીલ કરી હતી. જયારે આ દરમિયાન પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ ના બગાડે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='20850,20851,20852,20853']