મોરબી : હડમતીયા કન્યા તાલુકા શાળામાં વિદ્યાર્થીનીઓને ઉર્જાના મહત્વ અને તેના સંરક્ષણ અંગે જાગૃત કરવા માટે એક અનોખો 'બાલ ઉર્જા રક્ષક દળ' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ગાંધીનગરના સહયોગથી આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે 'આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્રના જિલ્લા કો-ઓર્ડિનેટર ભટ્ટ દિપેનકુમાર એલ. ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીનીઓને ઉર્જાની ઉત્પત્તિ, તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ અને ઉર્જા બચતનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે ભવિષ્યમાં ઉર્જાની સંભવિત કટોકટી અને તેને અટકાવવા માટેના ઉપાયો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.દિપેનકુમારે ઇન્ટરેક્ટિવ સેશન દ્વારા વિદ્યાર્થીનીઓને પ્રશ્નો પૂછીને અને ઉદાહરણો આપીને વિષયને સરળતાથી સમજાવ્યો હતો. કાર્યક્રમના અંતે, વિદ્યાર્થીનીઓ માટે એક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમના જ્ઞાનની ચકાસણી કરવામાં આવી હતી. આ ટેસ્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીનીઓ - વૃંદાબેન સિણોજિયા, મેરજા સારાબેન અને ખાખરીયા સુખવંતીબેનને પ્રોત્સાહિત ઇનામો આપીને સન્માનિત કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને નાનપણથી જ ઉર્જા સંરક્ષણના મહત્વ વિશે જાગૃત કરવાનો હતો. જેથી તેઓ ભવિષ્યમાં ઉર્જાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકે અને પર્યાવરણના રક્ષણમાં પોતાનું યોગદાન આપી શકે. શાળાના આચાર્યએ આ કાર્યક્રમના સફળ આયોજન બદલ તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.