મોરબી અપડેટના અહેવાલ બાદ તંત્રએ પુલ રીપેરીંગ માટે નિર્ણય લીધો : મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટે 5 દિવસ માટે આવાગમન માટે પુલ બંધ રહેવાનું જાહેરનામું બહાર પાડ્યું : વૈકલ્પિક વાહન વ્યવહાર માટે 2 અન્ય રોડનો ઉપયોગ કરવાનો રહેશે મોરબી : મોરબીની મચ્છુ નદી પર આવેલો પુલ સતત વરસી રહેલા વરસાદને કારણે ખાડા ખબડાવાળો થઈ ગયો હોવાથી પૂલનું રીપેરીંગ કામ કરવાનો માર્ગ અને મકાન વિભાગે નિર્ણય લેતા આગામી 5 દિવસ જાહેર વાહન વ્યવહાર માટે પૂલ સંપૂર્ણ બંધ રહેશે. આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મોરબીથી રાજકોટ જતા માર્ગ પર હાલ ફોરલેન કરવાની કામગીરી ચાલી રહી છે. આ રોડ પર સ્થિત મચ્છુ નદીના પુલ પર રસ્તાનું ધોવાણ થતા અને ઠેર ઠેર ગાબડા પડી જતા રીપેરીંગ માટે ઉક્ત પુલ તારીખ 24 ઓગષ્ટથી 28 ઓગષ્ટ સુધી જાહેર પરિવહન માટે બંધ રાખવાનું જાહેરનાનું જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ પુલ બંધ રહેતા વાહન વ્યવહાર માટે વૈકલ્પિક માર્ગોની જાહેરાત પણ સાથોસાથ કરવામાં આવી છે. જે મુજબ કચ્છ બાજુથી રાજકોટ તરફ જવા માટે માળીયા-પીપળીયા (ચાર રસ્તા)-મોરબી-નવલખી ફાટક થઈને રાજકોટ તરફ જઈ શકશે. જ્યારે રાજકોટ બાજુથી કચ્છ તરફ જવા માટે મોરબી(નવલખી ફાટક)- પીપળીયા (ચાર રસ્તા) થઈને માળીયા બાજુ થઈને કચ્છ તરફ જઈ શકાશે. ઉક્ત જાહેરનામું 5 દિવસ સખ્ત રીતે લાગુ રહેશે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરી 5 દિવસ માટે પ્રતિબંધિત પુલ પરથી પસાર થનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 131 હેઠળ જે તે વાહન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉક્ત જાહેરનામાંની જાણકારી 19 સંબંધિત વિભાગોને પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે ઉક્ત પુલ પર નાના-મોટા ગાબડા પડી ગયા હોવાથી વાહન ચાલકોને પડી રહેલી અગવડતા સંદર્ભે 'મોરબી અપડેટ' દ્વારા સચિત્ર અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, રાઘવજી ગડારા સહિતના આગેવાનોએ પુલનું જાત નિરીક્ષણ કર્યું હતું અને માર્ગ અને મકાન વિભાગને માહિતગાર કર્યા હતા ત્યારે આ પુલનું રીપેરીંગ કાર્ય ત્વરિત હાથ ધરવામાં આવશે એવી તંત્ર તરફથી ખાતરી ઉચ્ચારવામા આવી હતી. ત્યારે 24 ઓગષ્ટથી 28 ઓગષ્ટ દરમ્યાન 5 દિવસની થોડી અગવડ બાદ વાહન ચાલકોને હવે લાંબાગાળાની રાહત થશે.