તાલુકાના કુલ 6 ઈનોવેટિવ શિક્ષકોએ પોતાનું નવીનતમ શૈક્ષણિક સંશોધન સાથેનું ઈનોવેશન રજૂ કર્યું: મોરબી : તારીખ 27 નવેમ્બરને શુક્રવારના રોજ બી.આર.સી.ભવન મોરબી ખાતે જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ દ્વારા માર્ગદર્શીત અને બી.આર.સી.ભવન મોરબી દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો વર્ચ્યુલ એજ્યુકેશનલ ઇનોવેશન ફેર યોજાયો હતો.વર્તમાન કોવિડ - 19 ની પરિસ્થિતિના કારણે આ વખતે માઈક્રોસોફ્ટ ટિમ્સના માધ્યમથી વર્ચ્યુલ ઈનોવેશન ફેરનું આયોજન થયું હતું. આ ઈનોવેશન ફેરમાં તાલુકાના કુલ 6 ઈનોવેટિવ શિક્ષકોએ પોતાનું નવીનતમ શૈક્ષણિક સંશોધન સાથેનું ઈનોવેશન પ્રસ્તુત કર્યું હતું. મોરબી તાલુકાના શિક્ષકો માઈક્રોસોફ્ટ ટિમ્સના માધ્યમથી આ ફેરમાં જોડાયા હતા અને પ્રેરણા તેમજ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. પ્રસ્તુત ઈનોવેશન ફેરમાં બિલિયા પ્રા.શા.ના શિક્ષક ગૌતમ ગોધવીયા દ્વારા 'ભાષા અને શબ્દભંડોળ', સભારાવાડી પ્રા.શા.ના શિક્ષક વિજય દલસાણીયા દ્વારા 'રિશેષ બને વિશેષ', ચકમપર પ્રા.શા.ના આચાર્ય શૈલેષ કાલરીયા દ્વારા ' ભાષા સમૃદ્ધિ નાટ્યકરણ થકી', રાજપર તા.શા.ના શિક્ષક દિનેશ ભેંસદડીયા દ્વારા 'તંગ કરતી આકૃતિઓ', મકનસર પ્રા.શા.ના શિક્ષક જીતેન્દ્ર પાંચોટિયા દ્વારા 'મારો શૈક્ષણિક સ્ટુડિયો', તેમજ ધી.વી.સી.ટેક. હાઈસ્કુલ મોરબીના ઉચ્ચ માધ્યમિક વિભાગના બાયોલોજી શિક્ષક અમિતભાઈ તન્ના દ્વારા 'પરબીડિયું નં-૨' જેવી ઈનોવેટિવ કૃતિઓનું પરિણામ સાથેનું ઈનોવેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત ઇનોવેશન ફેસ્ટિવલ ફેરમાં નિર્ણાયક તરીકે ડાયટ - રાજકોટના લાયઝન ડો.સંજયભાઈ મહેતા, મોરબી ટી.પી.ઈ.ઓ. દિનેશભાઈ ગરચર, મોરબી બી.આર.સી.કો.ઓ. સંદીપ આદ્રોજા, સી.આર.સી.કો.ઓ. રમેશભાઈ કાલરીયા, ઈનોવેશન કે.આર.પી. અનિલ બદ્રકિયાએ પોતાની સેવા આપી હતી. તાલુકા કક્ષાએ પસંદ થનાર ઈનોવેટિવ શિક્ષક જિલ્લા કક્ષાના ઈનોવેશન ફેરમાં ભાગ લેશે. આ ઓનલાઈન વર્ચ્યુલ ઈનોવેશન ફેર ફેસ્ટિવલનું સફળ સંચાલન ઘુનડા(સ.) પ્રા.શા.ના શિક્ષક શૈલેષ ઝાલરીયાએ કર્યું હતું. ઈનોવેશન ફેરને સફળ બનાવવા બી.આર.સી. ભવન પરિવાર દ્વારા પરીણામલક્ષી પ્રયત્નો થયા હતા. આ ફેરમાં ભાગ લેનાર તાલુકાના ઈનોવેટિવ શિક્ષકો અને માઈક્રોસોફ્ટ ટિમ્સના માધ્યમથી જોડાયેલ તાલુકાના શિક્ષકો, નિર્ણાયકોનો બી.આર.સી.ભવન પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.