ચાર શખ્સો સામે હુમલો કર્યાની એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીમાં વ્યાજે આપેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી યુવાન ઉપર ચાર શખ્સોએ હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ચાર શખ્સો સામે એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી ચાર શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના શક્ત શનાળા ગામે આવેલ સુંદર પાર્ક સોસાયટી પાછળ રહેતા મનસુખભાઇ વેલજીભાઈ ચાવડા (ઉ.વ. 44)એ શક્ત શનાળા ગામે જ રહેતા આરોપીઓ બાબાભાઈ જીવણભાઈ જીલરીયા, વરૂણભાઈ જીવણભાઈ, માધવજીભાઈ જીવણભાઈ, વિરમભાઈ રબારી સામે એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.20 ના રોજ મોરબી કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ સામે ફરિયાદી પોતાનું બાઈક લઈને કોઈ કામસર પસાર થતા હતા. તે દરમિયાન આરોપીઓ પોતાની ગાડી પુરપાટ ઝડપે ચલાવી ફરિયાદીના બાઇકને હડફેટે લેતા ફરિયાદી પડી ગયા હતા. આથી, આરોપીઓએ ગાડી દેખાતી નથી તેમ કહી ફરિયાદીને લકડાના ધોકા વડે તેમજ મૂઢ માર માર્યો હતો અને આરોપીઓએ ફરિયાદીને વ્યાજે આપેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવાને આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.