દેશભરમાં 'બ્લેક ડે' અને 'મજદૂર માંગ દિવસ' ની ઉજવણી: માંગણીઓ નહીં સંતોષાય તો સામૂહિક રાજીનામા આપવા આશા વર્કર યુનિયન સજ્જમોરબી : આજરોજ દેશભરમાં આશા વર્કર બહેનોએ બ્લેક ડે મનાવીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે. મોરબીમાં પણ વિરોધ કરાયો હતો. આશા વર્કર અને આંગણવાડી વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ રંજનબેન સંઘાણીએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આજે ઓલ ઇન્ડિયા લેવલે 'બ્લેક ડે' (કાળો દિવસ) અને 'મજદૂર માંગ દિવસ' તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની આશા વર્કર બહેનોએ પોતાની ભાગીદારી નોંધાવી વિરોધ પ્રદર્શન કર્યું છે.આશા વર્કર બહેનોએ સરકારી નીતિઓ અને અધિકારીઓની જોહુકમી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમની મુખ્ય રજૂઆતો અને વ્યથા નીચે મુજબ છે.ઓનલાઇન કામગીરીનું અસહ્ય ભારણદિવસ-પ્રતિદિસે આશા વર્કર બહેનો પર ઓનલાઇન કામગીરી કરવાનું દબાણ વધારવામાં આવી રહ્યું છે. જ્યારે તેમની નિમણૂક ગ્રામ પંચાયતો દ્વારા સામાન્ય લાયકાત (5 કે 7 ભણેલા) ના આધારે કરવામાં આવી હતી, ત્યારે તેઓ આવી જટિલ ઓનલાઇન કામગીરી કેવી રીતે કરી શકે તે મોટો પ્રશ્ન છે.સાધનો અને તાલીમનો અભાવકોઈપણ કાયમી સરકારી કર્મચારી પોતાના ઘરના સાધનોથી ઓફિશિયલ કામગીરી કરતો નથી, જ્યારે આશા વર્કર બહેનોને ઓનલાઇન કામ માટે ન તો કોઈ સ્માર્ટફોન કે અન્ય સાધન આપવામાં આવ્યા છે અને ન તો તેની કોઈ યોગ્ય તાલીમ આપવામાં આવી છે.નાણાકીય શોષણ અને વચનભંગ વર્ષ 2025 માં સંસદમાં જાહેરાત કરીને આશા વર્કર બહેનોના વેતનમાં 1500 રૂપિયાનો વધારો કરી ફિક્સ 3500 રૂપિયા આપવાનું નક્કી કરાયું હતું. આ વચનને દોઢ વર્ષ વીતી જવા છતાં હજુ સુધી એક પણ રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી. આ ઉપરાંત સ્વેચ્છિક રાજીનામું આપનાર બહેનોને 20,000 ના બદલે 50,000 આપવાની જાહેરાત પણ માત્ર કાગળ પર જ રહી ગઈ છે.ઇન્સેન્ટિવમાં વિલંબબહેનોને મળવાપાત્ર ઇન્સેન્ટિવ પણ 4 થી 6 મહિના સુધી અટકી રહે છે, અને જ્યારે ચૂકવાય ત્યારે પણ માત્ર 2 મહિનાનું આપીને બાકીનું નાણું ટીંગાડી રાખવામાં આવે છે.આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ ચીમકી ઉચ્ચારી છે કે અધિકારીઓ પોતે એસી ચેમ્બરમાં બેસીને પોતાના ભાગની કામગીરી પણ તેમની પાસે કરાવી રહ્યા છે. જો આશા વર્કર બહેનોની વ્યાજબી માંગણીઓ પર ધ્યાન આપીને આ જોહુકમી બંધ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં 'માંગ દિવસ' ના બદલે સમગ્ર ગુજરાતની બહેનો એકત્ર થઈને 'રાજીનામા દિવસ' મનાવશે અને સામૂહિક રાજીનામા ધરી દેશે.#Morbi #MorbiUpdate #AshaWorker #AnganwadiWorker #Protest #BlackDay #GujaratNews #GovernmentPolicy #NewsUpdate