મોરબી : મોરબીના અર્પિત મહિલા ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં વિધવાને તાલીમ આપવાની સાથે પગભર રહી શકે તે માટે રૂપિયા 25,000ની બ્યુટી પાર્લરની કીટ અર્પણ કરવામાં આવી હતી.અર્પિત મહિલા ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષ સ્થાને અનોખો કાર્યક્રમ યોજાયો. જેમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં નાની ઉમરમા વિધવા બનેલ બહેનને આર્થિક રીતે પગભર થવા સંસ્થાએ તાલીમ આપવાની સાથે રોજગાર હેતુ કાયમી આજીવિકાના સાધન તરીકે તેમને સનાતન રામધુન મંડળી મોરબીના સભ્યદાતાઓના સહયોગથી રૂા.25000ના મુલ્યની બ્યુટી પાર્લરની કિટ પ્રદાન કરાવી સાથો સાથ મુસ્કાન વેલફેર ગ્રુપ અને રઘુવંશી સમાજના હોદ્દેદારો અને અગ્રણીઓને સાથે રાખી વિવિધ તાલીમાર્થીઓને તાલીમ પૂર્ણ કર્યા અંગેના પ્રમાણપત્રો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરાવી સંસ્થાના પ્રમુખ રંજનબેન ભાયાણીએ ઉપસ્થિત સર્વેને પોતાની લોક ઉપયોગી સામાજીક સેવાકીય પ્રવૃતિઓ અંગે વિગતવાર પારદર્શક વહીવટ બાબતે માહિતગાર કર્યા હતા.જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ થવાના પોતાના આ ભગીરથ કાર્યમાં તમામને આવી જ રીતે જરૂરી સાથ સહકાર આપવા આહ્વાન પણ કર્યુ હતુ. આ તકે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને અન્ય તમામ દાતાઓ-મહાનુભાવોનો આભાર વ્યક્ત કરી ઉપસ્થીત લોકોને પોતાની સંસ્થાકીય પ્રવૃતિઓનો વધુમા વધુ લાભ લેવા અનુરોધ કર્યો અને અંતમા કાર્યકમને સફળ બનાવવા મદદરૂપ થયેલ પોતાની ટીમના દરેક કાર્યકર બહેનો અને એન.યુ.એલ.એમ. મેનેજર હરેશભાઈ ખડોદરાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સંસ્થાએ આજસુધીમા 25000થી વધુ બહેનોને રોજગારીની તકો નિ:સ્વાર્થ ભાવે પુરી પાડી છે. જે વાતની ધારાસભ્યએ નોંધ લઈ સંસ્થાની કામગીરીને બીરદાવી હતી.