મોરબી : આજરોજ 9 જુલાઈએ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા પોષણ ટ્રેકરની કામગીરી અને BLOની કામગીરી સહિતના પ્રશ્ને આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબીમાં પણ મોટી સંખ્યામાં આંગણવાડીના કર્મચારી બહેનોએ કલેકટર કચેરીએ એકત્ર થઈને ધરણા પ્રદર્શન કર્યું હતું અને કલેકટરને આવેદન પાઠવ્યું હતું.આ અંગે આંગણવાડી કર્મચારીઓએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, હાલ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આંગણવાડીને ડિજિટલ કરવા માટે પોષણ ટ્રેકર મોબાઇલ એપ લાગુ કરવામાં આવી છે. જેમાં બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણા શક્તિના જે પેકેટ આપવાના હોય તે આપતી વખતે માતા અને બાળકનો ફોટો કેપ્ચર કરીને એપ્લિકેશનમાં દાખલ કરવાનો હોય છે. જેમાં ઘણી વખત નેટવર્ક આવતું ન હોય આ ઓનલાઈન કામગીરી થઈ શકતી નથી અને લાભાર્થીઓને અને આંગણવાડી કર્મચારીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે. આ ઉપરાંત BLO લેવલની કામગીરી આંગણવાડી કર્મચારીઓને સોંપવામાં આવી છે. એક તરફ આંગણવાડી કર્મચારીઓ બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા કામગીરી કરી રહ્યા હોય ત્યારે આવી વધારાની કામગીરી સોંપવામાં ન આવે તેવી પણ રજૂઆત કરાય છે. આ ઉપરાંત પગાર સહિતના મુદ્દે પણ રજૂઆતો કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં આ રજૂઆતો તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં નહીં આવે તો સંગઠન જે નક્કી કરશે તે પ્રમાણે આગામી દિવસોમાં કાર્યક્રમ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.