108 એબ્યુલન્સ સમયસર મદદે ન આવી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ : તળાવના ધસમસતા પાણીના પ્રવાહમાં નહાવા પડતા વૃદ્ધનું મોત થયું મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર આવેલા તળાવમાં એક વૃદ્ધનું ડૂબી જતાં કરુણ મોત નીપજ્યું હતું.જોકે હાલ ભારે વરસાદથી તળાવમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો હોય સ્થાનિકોએ ચેતવ્યા છતાં વૃદ્ધ તળાવમાં નહાવા પડતા તેમનું ડૂબી જવાથી મોત થયું હતું.જ્યારે 108 એમ્બ્યુલન્સ સમયસર મદદે ન આવી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. મોરબીના પંચાસર રોડ પરની કાઠિયાવાડ હોટલના પાછળ આવેલ તળાવમાં વશરામભાઈ પોપટભાઈ મજેઠીયા ઉ.વ.60 રહે પંચાસર રોડ વાળાનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું.આ અંગે સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક વૃદ્ધ ઘરેથી આ તળાવમાં નહાવા જવાનું કહીને અહીં આવ્યા બાદ તળાવમાં નહાવા પડ્યા હતા.જોકે હાલમાં પડેલા ભારે વરસાદથી આ તળાવમાં ભારે પાણીનો પ્રવાહ વહેતો હોવાથી તળાવમાં નહાવું જોખમભર્યું હોવાની જણાવીને સ્થાનિકોએ વૃદ્ધને ચેતવ્યા હતા.તેમ છતાં પણ વૃદ્ધ તળાવમાં નહાવા પડતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.આથી સ્થાનિક પાંચ જેટલા યુવાનોએ તળાવમાંથી બહાર કાઢ્યા હતા અને ત્યાં સુધી જીવિત હતા.આથી સ્થાનિકોએ પાંચ વખત 108ને ફોન કરીને જાણ કરી હોવા છતાં મદદે પહોંચી ન હતી.તેથી સ્થાનિકો ખાનગી વાહનમાં વૃદ્ધને હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેમનું મોત થયું હતું.જો 108 સમયસર પહોંચી હોત તો વૃદ્ધનો જીવ બચી જાત તેવું સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું.