રેલવે ટ્રેક પર પડી જવાથી ગંભીર ઇજા થતાં પુરૂષનું મોત થયાનું બહાર આવ્યું મોરબી : મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર ગતરાત્રે એક પુરુષની લાશ મળી આવી હતી.જેમાં માથાના ભાગે ઇજા હોવાથી આ બનાવ મર્ડરનો હોવાની શંકા ઉપજી હતી.પણ પોલીસે આ બનાવની ગહન તપાસ કરતા આ બનાવ અકસમતનો હોવાનું જાહેર થયું છે.જેમાં આ વ્યક્તિ રેલવે ટ્રેક પર પડી જવાથી માથાના ભાગે ઇજા થતાં મોત થયાનું ખુલ્યું છે. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગતરાત્રે મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશનથી આગળ રેલવે ટ્રેક પસાર થઈ રહી હતી.ત્યારે ડેમુ ટ્રેનના ડ્રાઇવરનું ધ્યાન આગળ રેલવે ટ્રેક પર પડેલી એક અજાણ્યા પુરુષની ડેડબોડી પર પડતા તેણે ટ્રેન થોભાવી હતી અને આ અજાણ્યા પુરુષનો મૃતદેહ ટ્રેન પર ચડાવી મકનસર પહોંચાડ્યો હતો. બાદમાં મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાદમાં આ બનાવની બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.પોલીસની તપાસમાં મૃતક મનીષભાઈ હસમુખ ભાઈ નિમાવત ઉ.વ.41 રહે શક્તિ ચેમ્બર પાછળ ઉમિયા સોસાયટી મોરબી ખાતે હોવાની ઓળખ મળી હતી.આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે, આ મૃતક ટ્રેનની હડફેટે ચડ્યો હોય એવું લાગતું ન હતું.પણ ઇજાના નિશાન હોય હત્યાની શંકા ઉપજી હતી .આથી ઉંડાણભરી તપાસ કરતા આ બનાવ અકસ્માતનો હોવાનું ખુલ્યું છે.જેમાં તેનો કામધંધો ચાલતો ન હોય કંટાળી નીકળી ગયો હતો અને નશો કરવાની ટેવ વાળો હોય રેલવે ટ્રેક પર અકસ્માતે પડી જવાથી ટ્રેક પર અથડાતા ઇજા થવાથી તેનું મોત થયું હોવાનું હાલ ખુલ્યું છે.આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.