મોરબી : મોરબીના મકનસર ગામે પોતાની સાથે આવવાની ના પાડતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ યુવાન અને તેની સાથેના વ્યક્તિ ઉપર તલવાર અને ત્રિશુલથી હુમલો કર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મારામારીના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના મકનસર ગામે આવેલ વાદીવાસ નજીક રહેતા પ્રવીણભાઇ નાગજીભાઇ પરમાર ઉ.વ.૨૧ નામના યુવાને આરોપીઓ જીતુભાઇ જેસીંગભાઇ પરમાર તથા ગોપાલભાઇ જેસીગંભાઇ પરમાર (રહે બન્ને મકનસર, વાદીવાસ) વાળાઓ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૧૦ ના રોજ મકનસર ગામે રાજુભાઇની દુકાન સામે બનેલા આ બનાવમાં ફરીયાદીએ સાહેદને પોતાની સાથે આવવાની ના પાડતા આરોપીઓને સારૂ નહી લાગતા, આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ત્રિશુલ તેમજ તલવારથી મારી ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી તાલુકા પોલીસે યુવાનની ફરિયાદ પરથી બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.