ચાર શખ્સોએ હુમલો કર્યાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીમાં સેનેટરી વેર્સ કારખાનામાં એક શ્રમિક યુવાનની જગ્યાએ અન્ય મજૂરોને કામે રાખી દેવાની હિલચાલ કરી અને તેને મજૂરી કામ છોડી દેવાનું કહેતા, આ બાબતે બોલાચાલી થવાથી ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ શ્રમિક યુવાન ઉપર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી મુકેશભાઇ ભીખાભાઇ અણીયારયા જાતે કોળી ઉ.વ.૨૮ રહે. સોલીટેડ સેનેટરી બંધુનગર, મોરબી વાળાએ આરોપીઓ પ્રવિણભાઇ રાજુભાઇ ઉર્ફે કાકા, બળદેવભાઇ રાજુભાઇ, ગોપાલભાઇ અને મહેશભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૭ ના રોજ આશરે સાંજના સાડા છ વાગ્યાની આસપાસ બંધુનગર સોલીટેડ સેનેટરી લેબર કોલોનીમાં બનેલા આ બનાવમાં આરોપીઓએ ફરીયાદી જે જગ્યાએ કામ કરે છે. તે જગ્યાએ બીજા માણસોને કામ ઉપર રાખવાના હોય અને ફરીયાદીને કામ છોડી ચાલ્યા જવાનુ કહેતા ફરીએ કામ છોડવાની ના પાડતા સારૂ નહી લાગતા જેનો રોષ રાખી અરોપીઓએ ફરિયાદી તથા સાહેદને ગાળો આપી ફરીયાદીને લોખંડના પાઇપ વતી માર માર્યો હતો. જેમાં ફરીયાદીને તથા સાહેદને મુઢ ઇજા થઈ હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.