એરપોર્ટ ઓથોરિટીની ટીમે સાઈટ વિઝીટ કરી ખેડૂતોને દીવાલની બાજુમાંથી ચાલવા માટે વૈકલ્પિક રસ્તો આપવા નક્કી કર્યું મોરબી : રાજ્યમાં નવી સરકાર આવતા જ અટકેલા પ્રશ્નોને જુદા-જુદા વિભાગો દ્વારા હાથ ઉપર લેવામા આવી રહ્યા છે ત્યારે મોરબી એરપોર્ટની દીવાલનો લટકતો પ્રશ્ન ઉકેલાઈ ગયો હોવાનું જાણવા મળે છે, ગઈકાલે મોરબી આવેલ એરપોર્ટ ઓથોરિટીની ટીમે ખેડૂતોના હલણના પ્રશ્નને ઉકેલી નાખતા હવે આગામી બે માસમાં એરપોર્ટની દીવાલ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. મોરબીના રાજપર નજીક નિર્માણ પામનાર એરપોર્ટ પ્રોજેક્ટમાં ખેડૂતોને હલણનો પ્રશ્ન ઉપસ્થિત થતા લાંબા સમયથી એરપોર્ટની દિવાલનું કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે ત્યારે ગઈકાલે મોરબીના મહત્વપૂર્ણ એરપોર્ટ પ્રોજેક્ટને લઈ એરપોર્ટ ઓથોરિટીની ટિમ મોરબીની મુલાકાતે આવી હતી અને ખેડૂતો માટે એરપોર્ટની દીવાલ પાસેથી વૈકલ્પિક રસ્તો આપવા સહમતી સાધી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, નવા એરપોર્ટ માટે કમ્પાઉન્ડ વોલની કામગીરી શરૂ થતા જ કેટલાક ખેડૂતોને આવાગમન માટે મુશ્કેલી ઉભી થતા એરપોર્ટ પ્રોજેક્ટમાં અંતરાય આવ્યો હતો પરંતુ હવે વૈકલ્પિક માર્ગને કારણે પ્રશ્ન ઉકેલાઈ જતા જ આગામી બેએક માસમાં એરપોર્ટની દીવાલની કામગીરી પૂર્ણ કરી બાદમાં એરપોર્ટની અંદરની જમીનમાં લેવલીંગ બાદ રનવે સહિતની કામગીરી હાથ ઉપર લેવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.