મોરબી : મોરબીના રાજપર ગામે એરપોર્ટ બનાવવાની માંગ સાથે સામાજિક કાર્યકરે જિલ્લા કલેક્ટર સહિતનાને રજુઆત કરી હતી. બાદમાં આ રજૂઆતના પગલે સાંસદ અને કલેકટરે મોરબીમાં એરપોર્ટ બનાવવાની કાર્યવાહી કરવા ઉચ્ચ કક્ષાએ ભલામણ કરી છે. વિહિપ અગ્રણી હસમુખભાઈ ગઢવીએ મુખ્ય સચિવ અને કલેક્ટર સહિતનાને રજુઆત કરી હતી કે ઔદ્યોગિક નગરી મોરબીમાં રાજા રજવાડા વખતે એરપોર્ટની સુવિધા હતી. તે સમયે મોરબી તાલુકાના રાજપર ગામે એરપોર્ટ હતું. તે જ જગ્યાએ નવું એરપોર્ટ બનાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. મોરબી નગર જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ છે. જેથી એરપોર્ટ સુવિધા જરૂરી છે. પ્રવાસન, ધાર્મિક યાત્રા, વ્યાપાર વૃદ્ધિ માટે મોરબી નગરને એરપોર્ટની આવશ્યકતા છે. વધુમાં જણાવાયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉડાન યોજના અંતર્ગત મોરબી નગરને એરપોર્ટ સુવિધા મળશે તો મોરબીને પરિવહન ક્ષેત્રે ખૂબ જ લાભ થશે. ભૂતકાળમાં મોરબી નગરને સૌરાષ્ટ્રનું પેરિસ કહેવામાં આવતું હતું. ફરી પાછું આ નગરને પેરિસ બનાવવામાં તંત્ર સહભાગી બને તેવી અપેક્ષા છે. સામાજિક કાર્યકરની આ રજૂઆતને પગલે જિલ્લા કલેક્ટર માકડીયાએ રાજ્યના ઉદ્યોગ અને ખાણખનિજ વિભાગના સચિવને ભલામણ કરી મોરબી એરપોર્ટની સુવિધા મેળવા સક્ષમ હોવાથી આ અંગે નિયમોનુસાર કાર્યવાહી કરવાની દરખાસ્ત કરી છે.